- સુપિરિયર હોલિડે કપલ ટૂર પેકેજના નામે પૈસા લઈ ટૂર જ ન કરાવી
- અમદાવાદના શખ્સ સહિત 3 સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- બી ડિવિઝન પોલીસની છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ
વઢવાણમાં રહેતા યુવાનને ફોન કરી પત્ની સાથે શહેરની એક હોટલમાં બોલાવાયો હતો. જેમાં રૂપીયા ભર્યા બાદ 5 વર્ષ સુધી ટુરનું પેકેજ ઓફર કરાયુ હતુ. જેમાં યુવાને રૂપીયા 85,140 ભર્યા બાદ ટુર જ ન કરાવી કે પૈસા પરત ન આપી છેતરપિંડી કર્યાની સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના 3 કર્મીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણના માળીવાડમાં રહેતા 35 વર્ષીય રજનીકાંત જગદીશભાઈ રામી ઈન્સ્યોરન્સનું કામ કરે છે. તા. 19 મેના રોજ તેઓના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં સુપીરીયર હોલીડે કપલ પેકેજ ટુર્સમાંથી બોલતા વ્યકતીએ શહેરની એક હોટલમાં કપલ સાથે કોન્ફરન્સનું આયોજન કર્યુ હોવાનું કહી તેઓને ઈન્વાઈટ કર્યા હતા. આથી રજનીકાંતભાઈ તેમના પત્ની છાયાબેન સાથે ત્યાં ગયા હતા. જે બીજા પણ અનેક કપલ હતા. અને કંપનીના એક માણસ કે જે સેલ્સ એકઝીકયુટીવ તરીકે ઓળખ આપે છે તેવા સુમીત રાજપુતે રૂપીયા 1.30 લાખમાં પ વર્ષ સુધી 30 નાઈટની ટુર ઓફર કરી હતી. પરંતુ રકઝકના અંતે રૂપીયા 85 હજારમાં આ ટુર ફાઈનલ થઈ હતી. અને રજનીકાંતભાઈએ ઓનલાઈન, રોકડા અને 85,140 જમા કરાવ્યા હતા. ત્યારબાદ કંપનીમાંથી કોઈ જવાબ ન મળતા અને ટુરનું આયોજન ન થતા કે રૂપીયા પરત મળ્યા ન હતા. આથી રજનીકાંતભાઈએ સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના સુમીત રાજપુત, મેનેજર અમીત જાદવ અને સંજય પ્રજાપતી સામે બી ડીવીઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.


