મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી રહ્યું હોવા છતાં જીઓપોલિટીકલ ટેન્શનને અવગણીને ગત સપ્તાહમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને હવે વ્યાજ દર વધારાનું સાઈકલ અટક્યાના અને આગામી દિવસોમાં ઘટાડા તરફી થવાના અંદાજો સાથે બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારો પણ કરેકશન પૂરું કરીને તેજી તરફ ફંટાયા છે. કોર્પોરેટ પરિણામો પણ એકંદર સારા આવી રહ્યા હોઈ લોકલ ફંડોની સતત ખરીદી સામે સપ્તાહના અંતે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી અટકતી જોવાઈ છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેવાના પોઝિટીવ પરિબળ રહ્યું છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિઝલ્ટ બાદ ૭, નવેમ્બર ૨૦૨૩ના પાવર ગ્રીડ કોર્પ, શ્રી સિમેન્ટ તેમ જ ૯, નવેમ્બર ૨૦૨૩ના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામ અને ૧૦,નવેમ્બર ૨૦૨૩ના હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ઓએનજીસીના રિઝલ્ટ પર બજારની નજર રહેશે. આ સાથે જીઓપોલિટીકલ ટેન્શન હળવું થાય છે કે વધે છે એ પ્રમુખ પરિબળ રહેશે, જ્યારે ૭, નવેમ્બરથી ૩૦, નવેમ્બર દરમિયાન યોજાનારી પાંચ રાજયોની ચૂંટણીઓ પર નજર રહેશે. જેમાં મિઝોરમમાં ૭, નવેમ્બરના થનારા મતદાન અને ૧૭,નવેમ્બર ૨૦૨૩ના મધ્ય પ્રદેશ, ૨૫, નવેમ્બર ૨૦૨૩ના રાજસ્થાનમાં મતદાન અને ૩૦, નવેમ્બર ૨૦૨૩ના તેલંગણા અને ૭ તેમ જ ૧૭ નવેમ્બર ૨૦૨૩ના બે તબક્કામાં છત્તીસગઢમાં થનારા મતદાન પર બજારની નજર રહેશે. રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિબળો વચ્ચે હવે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૬૩૭૭૭ની ટેકાની સપાટીએ ૬૫૦૦૦ ઉપર બંધ થતાં ૬૫૬૬૬ અને નિફટી સ્પોટ ૧૯૦૩૩ના સપોર્ટે ૧૯૪૪૪ ઉપર બંધ થવાના સંજોગોમાં ૧૯૬૬૬ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : CIE AUTOMOTIVE INDIA LTD.
બીએસઈ(૫૩૨૭૫૬), એનએસઈ (CIEINDIA) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, સ્પેનના મલ્ટિનેશનલ કોન્ગલોમરેટ સીઆઈઈ ઓટોમોટીવ ગુ્રપની સબસીડિયરી અને CIE AUTOMOTIVE-SPAIN- PARTICIPACIONES INTERNACIONALES AUTOMETAL, DOS S.L.ના ૬૫.૭૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ ધરાવતી, સીઆઈઈ ઓટોમોટીવ ઈન્ડિયા લિમિટેડ (CIE AUTOMOTIVE INDIA LIMITED) ઓટોમોટીવ ક્ષેત્રે ફોર્જિંગ, સ્ટેમ્પિંગ્સ, એલ્યુમીનિયમ, કાસ્ટિંગ, ગીયર્સ, મેગ્નેટિક, કોમ્પોઝિટ્સ ક્ષેત્રે સક્રિય છે. કંપની ભારતમાં ફોર્જિંગ્સ, કાસ્ટિંગ્સ, સ્ટેમ્પિંગ્સ, ગીયર્સ, મેગ્નેટિક્સ, કોમ્પોઝિટ્સ એલ્યુમીનિયમ માટે પૂનામાં પ્લાન્ટ, ફોર્જિંગ્સ માટે હરીદ્વાર, બેંગ્લોર, કોઈમ્બતુર ખાતે પ્લાન્ટ, રાજકોટમાં ગીયર્સ પ્લાન્ટ, પંતનગરમાં સ્ટેમ્પિંગ્સ એલ્યુમીનિયમ પ્લાન્ટ, ઔરંગાબાદ ખાતે એલ્યુમીનિયમ માટે, ઝહિરાબાદ અને નાગપુર ખાતે સ્ટેમ્પિંગ્સ અને માનગાવ ખાતે કોમ્પોઝિટ્સના મેન્યુફેકચરીંગના પ્લાન્ટ ધરાવે છે. કંપની વિવિધ સેગ્મેન્ટ્સમાં કાર અને યુટીલિટી વ્હિકલ્સ, મીડિયમ એન્ડ હેવી વ્હિકલ્સ, એગ્રીકલ્ચર એન્ડ ઓફ્ફ રોડ વ્હીકલ્સ, ઈલેક્ટ્રિક ફોર વ્હીલર્સ, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયો ધરાવે છે.
મેન્યુફેકચરીંગ-સેગ્મેન્ટસ : કંપની ફોર્જિંગમાં ક્રેન્કશેફ્ટ્સ અને સ્ટીયરિંગ નુકલ્સમાં ભારતના ઓટો ઉદ્યોગમાં ૬૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે. એલ્યુમીનિયમમાં કંપની ત્રણ સ્થળો થકી એચપીડીસી અને જીડીસીમાં અસ્તિત્વ સાથે ભારતમાં સૌથી મોટી એલ્યુમીનિયમ ફાઉન્ડ્રી પૈકી એક ધરાવે છે. કાસ્ટિંગમાં કંપની ભારતની સૌથી મોટી ૧૦૦ ટકા એસજી આર્યન ફાઉન્ડ્રી ધરાવતી અને ૨૦ વર્ષનો નિકાસ અનુભવ સાથે ૨૦ ટકાથી વધુ આવક સીધી નિકાસ થકી મેળવે છે. સ્ટેમ્પિંગ્સમાં કંપની ભારતમાં સાત મેન્યુફેકચરીંગ સવલતો સાથે ,સ્ટેમ્પ્ડ પાર્ટસ અને એસેમ્બલિઝની અગ્રણી સપ્લાયર છે. કોમ્પોઝાઈટ્સમાં કંપની ૩૦ વર્ષના અનુભવ સાથે ભારતમાં કોમ્પોઝાઈટ મટીરિયલ્સ અને કોમ્પોનન્ટસની અગ્રણી મેન્યુફેકચરર છે, અને ભારતમાં ઈલેક્ટ્રિક કારો માટે કોમ્પોઝાઈટ બેટરી બોક્સની એકમાત્ર મેન્યુફેકચરર છે. ગીયર્સમાં કંપની પૂના અને રાજકોટમાં ગીયર્સ અને શેફ્ટ્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટો થકી ઓટો ઓઈએમઝ માટે વિશ્વસનીય પાર્ટનર હોવા સાથે ૨૦ ટકા આવક સીધી નિકાસો થકી મેળવે છે. મેગ્નેટિક્સ પ્રોડકટ ડિવિઝનમાં કંપની ભારતની સૌથી મોટી મેગ્નેટ ઉત્પાદક છે. વિશ્વ કક્ષાની સવલતો થકી કંપની ઓટોમોટીવ એપ્લિકેશન માટે હાર્ડ અને સોફ્ટ ફેરાઈટ્સની એક્સપાન્સિવ રેન્જનું ઉત્પાદન કરે છે.
મેડ્રિડ સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ પેરન્ટ સીઆઈઈ ઓટોમોટીવ-સ્પેન ઈન્ડસ્ટ્રીયલ ગુ્રપ હાઈ વેલ્યુ-એડેડ પ્રોસેસોમાં સ્પેશ્યલાઈઝડ સાથેકંપની કોમ્પલેક્સ પાર્ટસના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે છે. કંપની વિશ્વમાં યુરોપમાં ચાર અને મેક્સિકોમાં એક મળીને કુલ ૨૯ મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. મોટાભાગે યુરોપ અને ભારતના ઓટોમોટીવ બજારોમાં કાર્યરત કંપની યુરોપમાં મુખ્યત્વે લાઈટ વ્હિકલ્સ અને હેવી ટ્રક માર્કેટ્સમાં કોમ્પોનન્ટસ સપ્લાય કરે છે. ભારતમાં કંપની વૈવિધ્યિકૃત અને લાઈટ વ્હીકલ્સ સેગ્મેન્ટ(બન્ને પેસેન્જર વ્હીકલ્સ અને લાઈટ કમર્શિયલ વ્હીકલ્સ), ટુ-વ્હીલર્સ, ટ્રેકટર્સ, મીડિયમ અને હેવી કમર્શિયલ વ્હીકલ્સને કોમ્પોનન્ટસ સપ્લાય કરે છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપની બે પ્રમુખ ઓટોમોટીવ માર્કેટમાં કુલ એક્ત્રિત વેચાણના ૫૨ ટકા ભારતમાં અને ૪૮ ટકા યુરોપમાં ધરાવે છે.
સીઆઈઈ ઓટોમોટીવ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન એસપી શુક્લાના નિવેદન મુજબ ભારતમાં ઓટોમોટીવ માર્કેટમાં માંગ સતત જળવાઈ રહેવાની આશા છે. કંપની આ તકોને ઝડપવા તૈયાર છે. યુરોપમાં કંપની સ્થગિત જેવા બજાર વધતાં ખર્ચ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ ઝડપી વધતા ઝુંકાવના બેવડા પડકારોને પહોંચી વળવા પ્રોડક્ટસ રીએન્જિનિયરીંગ અને પ્રોસેસ પર ફોક્સ કરશે. કંપની આવનારી તકોને ઝડપવા અને પડકારોનો સામનો કરવા સારી સ્થિતિમાં છે.
પ્રમુખ ગ્રાહકો : કંપનીના પ્રમુખ વૈશ્વિક ગ્રાહકોમાં બજાજ, બોશ, કેટ, ડેઈમલર, ફિયાટ, ફોર્ડ, જીકેએન, હીરો, હ્યુન્ડાઈ, જેએલઆર-ટાટા, કોબેન્સમિડ્ટ, મહિન્દ્રા, માન, મારૂતી, નેક્સટર, એનઆઈડીઈસી, એનટીએન, રેનોલ્ટ, એસએએફ અને વોક્સવેગન સહિત છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : PARTICIPACIONES INTERNACIONALES AUTOMETAL, DOS S.L. પાસે ૬૫.૭૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૫.૪૧ ટકા, એફઆઈઆઈઝ પાસે ૬.૧૬ ટકા, એચએનઆઈ પાસે ૬.૨૨ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૬.૦૩ ટકા છે.
બુક વેલ્યુ : ડિસેમ્બર ૨૦૨૨ના રૂ.૧૧૭.૮૭, અપેક્ષિત ડિસેમ્બર ૨૦૨૩ના રૂ.૧૪૦, અપેક્ષિત ડિસેમ્બર ૨૦૨૪ના રૂ.૧૬૭
નાણાકીય પરિણામો : (કોન્સોલિડેટેડ કન્ટીન્યુઈંગ ઓપરેશન્સ)
(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ : ચોખ્ખી આવક રૂ.૮૮૧૧કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૮.૦૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૧૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૮.૭૬ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક ૧૮.૫૭ ટકા વધીને રૂ.૨૪૫૬ કરોડ મેળવીને એનપીએમ ૮.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૨૦ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિકની આવક-ઈપીએસ રૂ.૫.૮૦ હાંસલ કરી હતી.
(૩) બીજા ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક ૫.૧૭ ટકા વધીને રૂ.૨૩૪૦ કરોડ મેળવી એનપીએમ૯.૧૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૧૩ કરોડ નોંધાવ શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૫.૬૪ હાંસલ કરી હતી.
(૪) ત્રીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક ૨.૫૯ ટકા વૃદ્વિએ રૂ.૨૩૦૦ કરોડ મેળવી એનપીએમ ૮.૧૨ ટકા થકી ચોખ્ખો નફો ૧૮૬.૭૩ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૪.૯૨ હાંસલ કરી છે.
(૫) પ્રથમ નવ માસિક જાન્યુઆરી થી સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક ૮.૫૦ ટકા વૃદ્વિએ રૂ.૭૦૯૫ કરોડ મેળવી એનપીએમ૮.૭૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૨૦.૫૮ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૧૬.૩૬ હાંસલ કરી છે.
(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ : અપેક્ષિત ચોખ્ખી આવકરૂ.૯૫૬૫ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૮૩૬ કરોડ થકી શેર દીઠ વાર્ષિક આવક-ઈપીએસ રૂ.૨૨.૦૫અપેક્ષિત છે.
(૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૧,૫૦૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૦૩૫કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૭.૩૦ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) સ્પેનના કોન્ગલોમરેટ સીઆઈઈ ઓટોમોટીવ ગુ્રપની સબસીડિયરી અને CIE AUTOMOTIVE-SPAIN- PARTICIPACIONES INTERNACIONALES AUTOMETAL, DOS S.L.ના ૬૫.૭૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ ધરાવતી (૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨.૦૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૪૦ (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૭.૩૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૬૭ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર બીએસઈ પર રૂ.૪૮૧.૩૦( એનએસઈ પર રૂ.૪૮૧.૮૦) ભાવે વર્ષ ૨૦૨૪ની અપેક્ષિત કમાણી સામે ૧૭.૬૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.