- સંદેશખાલી કેસમાં કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી
- TMC નેતા શાહજહાં શેખ જે સંદેશખાલી હિંસાના માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે
- કોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર
કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીના મુદ્દા પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું. આ ઉપરાંત ભાજપ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટીએસ શિવગનનમે સંદેશખાલીના મુદ્દે ગંભીર ટીપ્પણી કરી અને કહ્યું કે, TMC ના નેતાઓ જ્યાં હોય ત્યાં આત્મસમર્પણ કરી દે. કોર્ટે કહ્યું કે, તેમની સામે પૂરતા પુરાવા છે. શાહજહાં શેખ પર ED અધિકારીઓ પર હુમલો કરવા, સ્થાનિક લોકોની જમીન હડપ કરવા અને મહિલાઓની જાતિય સતામણી કરવાના આરોપો છે. 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં ED પર થયેલા હુમલા બાદ શાહજહાં શેખ ફરાર છે.
EDએ ત્રણ સમન્સ જારી કર્યા છે
સંદેશખાલી હિંસાના માસ્ટરમાઇન્ડ ગણાતા શાહજહાં શેખને ED દ્વારા ત્રણ સમન્સ જારી કરવામાં આવ્યા છે. શેખ ફરાર થઈ જતાં તેની સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. 45 દિવસ બાદ પણ પોલીસ શાહજહાં શેખ સુધી પહોંચી શકી નથી. ઇડી અને અન્ય એજન્સીઓએ અગાઉ તેના બાંગ્લાદેશ ભાગી જવાની આશંકા વ્યક્ત કરી હતી. સંદેશખાલી હિંસામાં શાહજહાં શેખ સાથે શિબુ હઝરા અને ઉત્તમ સરદારના નામ સામે આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી શિબુ હઝરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી છે.


