- સવારના સમયે મુસાફરે આ અંગે ટ્વિટ કરીને રેલમંત્રી અને IRCTCને જાણ કરી
- મોંઘા દરની ટિકિટ ખર્ચતા મુસાફરોએ હોહા મચાવી દીધી
- IRCTCનો લૂલો બચાવ
શહેરમાં વિવિધ રેસ્ટોરેન્ટની ખાણીપીણીમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ છેલ્લાં કેટલાક દિવસોમાં વધી છે. જોકે હવે ટ્રેનમાં પણ પીરસવામાં આવતી ખાણીપીણીની વસ્તુઓમાં પણ જીવજંતુઓ નીકળવાની ઘટનાની શરૂઆત થઈ છે. રેલવેની પ્રિમિયમ ટ્રેન ગણાતી અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસમાં મુસાફરને પીરસવામાં આવેલા બ્રેકફાસ્ટમાં ઇયળ નીકળતાં મુસાફરે ટ્વીટ કરીને રેલમંત્રી અને IRCTCને જાણ કરી હતી. જોકે IRCTCએ આ અંગે લૂલો બચાવ કર્યો હતો.
તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી ભરૂચ જતાં યુવાનના બ્રેકફાસ્ટમાં મળેલા ઉપમામાં ઇયળ નીકળતાં હોહા મચી જવા પામી હતી. આ અંગેની જાણ અન્ય મુસાફરોને થતાં કેટલાક મુસાફરોએ નાસ્તો કર્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે યુવાને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, અડધો ઉપમા તો મેં ખાઈ લીધો હતો અને જો જીવજંતુ વાળો ભાગ ખાઇ લીધો હોત અને કંઈ થઈ જાત તો તેની જવાબદારી કોણ લેત? સમગ્ર મામલે IRCTCએ ટ્વીટના જવાબમાં જણાવ્યુ હતું કે આવી ઘટના ફરી નહીં બને આ માટે યોગ્ય પગલાં ભરીશું. આ વચ્ચે ઘણી ટ્રેનોમાં પણ પિરસવામાં આવતાં પેકેજિંગ ફૂડની યોગ્ય ગુણવત્તા અંગે પણ અનેકવાર પ્રશ્નો ઉઠયા છે પરંતુ રેલતંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરાતાં નથી.


