ભારતના પશ્ચિમ બંગાળમાં શક્તિપૂજાની પ્રાચીન પરંપરા રહી છે. અહીં મોટાભાગનાં ઘરોમાં માતા મહાકાળીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળની સોસાયટીઓમાં, ગલી કે અન્ય વિસ્તારોમાં પણ તમને માતા મહાકાળીનાં મંદિરો અચૂક જોવા મળી જાય છે. તારાપીઠમાં આદ્ય દેવી શક્તિનાં અવતાર `મા તારા’ બિરાજમાન છે. મૂળ તારાપીઠ એક પ્રમુખ શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. જે પટના-હાવડા લૂપ રેલલાઇન (વાયા ભાગલપુર) પર ઝારખંડ-બંગાળની સીમા પર રામપુર હાટ સ્ટેશન (બીરભૂમ જિલ્લો)થી અંદાજિત 8 કિમી. દૂર દ્વારિકા નદીના તટ પર આવેલું છે, જે પશ્ચિમ બંગાળમાં છે.
આદ્યશક્તિનાં અવતાર મા તારા
પશ્ચિમ બંગાળમાં શક્તિપૂજાનું અનેરું માહાત્મ્ય છે. શક્તિપૂજા અહીં પ્રાચીન સમયથી જ કરવામાં આવે છે. હિન્દુ માન્યતા પ્રમાણે તારાપીઠમાં આદ્ય દેવી શક્તિનાં અવતાર મા તારા અહીં બિરાજમાન છે. આ સ્થળ વિશે એવી પણ માન્યતા છે કે, જાગ્રત શક્તિપીઠ અને તંત્રપીઠના રૂપમાં અહીં આરાધકો, સાધકો અને ભક્તોની માગણીઓ સાંભળવામાં આવે છે ઉપરાંત તે માગણીઓને પૂરી પણ કરવામાં આવે છે. મા તારા સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, આરોગ્ય અને જ્ઞાનસાધનાનાં દેવી માનવામાં આવે છે. મા તારાના દરબારમાં બિહાર, બંગાળ અને ઝારખંડ ઉપરાંત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ પણ અહીં માતાના દર્શનાર્થે અને માગણીઓ પૂરી થાય તે હેતુથી આવે છે.
દક્ષ પ્રજાપતિની કથા
હિન્દુ પૌરાણિક માન્યતા પ્રમાણે આ શક્તિપીઠ વિશે એવું કહેવાય છે કે, અહીં દેવીના આંખનો તારો(આંખનું તેજ) પડ્યો હતો. આ કથા દક્ષ પ્રજાપતિના યજ્ઞ અને માતા પાર્વતીના હવનકુંડમાં આત્મદાહ સાથે જોડાયેલી છે. જ્યારે માતા પાર્વતીએ તેમના પિતાજી દ્વારા ભગવાન શંકરની અવગણના કરવામાં આવી હતી ત્યારે માતા પાર્વતીએ અગ્નિમાં કૂદીને આત્મદાહ કરી લીધો હતો. ત્યારબાદ ભગવાન શિવ ક્રોધિત થઇને માતા પાર્વતીના દેહને લઇને ત્રણેય લોકમાં ફરવા લાગ્યા હતા. આ સમયે ભગવાન વિષ્ણુ માતા પાર્વતીના દેહને સુદર્શનચક્રથી કાપે છે અને તેમના અંગના ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે 51 શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ તરફ તારાપીઠમાં માતા પાર્વતીની આંખોનો તારો (તેજ) પડ્યો હતો, તેથી જ આ પવિત્ર સ્થળને તારાપીઠ તરીકે ઓળખવામાં આવે છે.
મા તારાનાં આઠ સ્વરૂપો
મા તારાનાં દેખાવ, રૂપરંગ અંગે કાલિકા પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, શુંભ અને નિશુંભ જ્યારે રાક્ષસોથી હારી જાય છે ત્યારે તેઓ હિમાલયમાં દેવી માતંગીનું આહ્વાન કરે છે. ત્યારબાદ તેમના શરીરમાંથી મહાસરસ્વતીનું શ્વેતવર્ણી કૌશિકીની સાથે, કાળા વર્ણવાળી કાળી (ઉગ્ર તારા) પ્રગટ થાય છે. દેવી તારા નીલા વર્ણની ચાર ભુજાઓવાળાં હોય છે જેઓ તલવાર, ખપ્પર, કટાર અને નીલકમલ ધારણ કરે છે. અન્ય ધાર્મિક ગ્રંથોમાં કરુણામયી તથા કલ્યાણમયી મા તારાનાં આઠ સ્વરૂપોની પણ ચર્ચા કરવામાં આવી છે, જે ઉગ્ર તારા, નીલ સરસ્વતી, એકજટા ભવાની, મહોગ્રા, કામેશ્વરી, ચામુંડા, વજ્ર અને ભદ્રકાળી નામોથી ઓળખાય છે. વશિષ્ઠ મુનિ દ્વારા પુજાયેલાં હોવાથી માનું એક નામ વશિષ્ઠ આરાધિત તારા પણ છે.
સ્મશાનમાં મા તારાની આરાધના
પૌરાણિક માન્યતા પ્રમાણે વશિષ્ઠ મુનિએ તારા મંદિરની નજીક દ્વારિકા નદીના તટે આવેલા સ્મશાનમાં મા તારાની વિધિવત્ આરાધના કરી હતી. જે કારણસર તે વશિષ્ઠ આરાધિત તારા નામથી પણ ઓળખાય છે. સ્થાનિક પરંપરા અનુસાર મુનિ વશિષ્ઠે આ સ્થાનને એ જ કારણસર પોતાની સાધના માટે પસંદગી કરી હતી, કારણ કે આ જગ્યાની પ્રસિદ્ધિ સિદ્ધ પીઠ તરીકે છે.
વશિષ્ઠ મુનિએ અહીં કઠોર તપસ્યા કરી હતી
ધાર્મિક માન્યતા અને પૌરાણિક માન્યતામાં જણાવ્યા પ્રમાણે વશિષ્ઠ મુનિએ અહીં કઠોર તપસ્યા કરી હતી. તેમણે અહીં ત્રણ લાખ મંત્રોના જાપ કર્યાં હતા અને તેમના જાપથી મા પ્રસન્ન થયાં હતાં. મુનિ વશિષ્ઠની માગણીને ધ્યાનમાં લઈને દેવીએ તેમને ભગવાન શિવને દુગ્ધપાન કરાવતા માતૃ સ્વરૂપે દર્શન આપ્યાં. ત્યારબાદ તેઓ શિલામૂર્તિમાં પરિવર્તિત પામ્યાં હતાં. આગળ જતા દ્વારિકા નદીના તટસ્થિત સ્મશાનમાં કે જ્યાં વશિષ્ઠ મુનિએ તપસ્યા કરી હતી ત્યાંથી શિલામયી પ્રસ્તર મૂર્તિને મુખ્ય તારા મંદિરમાં લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી અને તે મૂર્તિ પર ચાંદીની મુખાકૃતિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેનાં દર્શન લાખો શ્રદ્ધાળુ આજે પણ કરી રહ્યા છે.
સમુદ્રમંથન
દેવી દ્વારા માતૃસ્વરૂપમાં ભગવાન શિવને દુગ્ધપાન કરાવવાનો પ્રસંગ પૌરાણિક સમુદ્રમંથન સાથે જોડાયેલો છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્રમંથનમાંથી નિકળેલા વિષને જ્યારે ભગવાન શિવ પીએ છે ત્યારે તેના વિષજલનથી તેઓ પીડાય છે. આ પીડામાંથી મુક્તિ આપવા માતા પાર્વતી માતૃસ્વરૂપ ધારણ કરીને તેમને દુગ્ધપાન કરાવે છે જેથી ભગવાન શંકરને વિષજલનમાંથી મુક્તિ મળે છે. જે મંદાર પર્વતમાં સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું તે તારાપીઠથી અંદાજે 137 કિમી.(વાયા દુમકા-હંસડીહા) પર બોંસી (બાંકા જિલ્લો-બિહાર)માં છે. મુખ્ય તારા મંદિરની નજીક આવેલા સ્મશાનમાં વશિષ્ઠ મંદિર અને પંચમુંડી મંદિર નિર્મિત છે જ્યા સાધના કરતા સાધકો તમને જોવા મળી શકે છે. નોંધનીય છે કે, જાણીતા ઇતિહાસકાર વિલિયમ ડેલરિંપલે પોતાના પુસ્તક નાઇન લાઇવ્સઃ ધ લેડી ટિ્વલાઇટમાં તારાપીઠની અલૌકિક વાર્તાઓનો પણ ઉલ્લેખ કરેલો છે.
મા તારાને કમળ અને નીલા પુષ્પ પસંદ છે
મા તારાના મંદિરમાં તેમના ભક્તો કમળનું ફૂલ અને નીલા રંગનાં પુષ્પો અર્પણ કરે છે. અહીં દરરોજ માતાના આશીર્વાદ લેવા ભક્તો ઉમટી પડે છે, પરંતુ શનિવાર, રવિવાર અને સોમવારે માનાં દર્શન કરવાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. આ ત્રણ વારે તેમનાં દર્શન કરવાથી ભક્તોને ધાર્યું ફળ મળે છે.
કેવી રીતે પહોંચશો?
તારાપીઠ ખૂબ નાનું શહેર હોવાથી અહીં એરપોર્ટ કે રેલવે સ્ટેશનની સુવિધા નહીંવત્ છે. તારાપીઠથી કોલકાતા અંદાજિત 220 કિમી. દૂર આવેલું છે. તારાપીઠથી નજીકનું એરપોર્ટ કાજી નજરુલ ઈસ્લામ એરપોર્ટ છે. જ્યાંથી તારાપીઠ શહેર અંદાજે 105થી 110 કિમી. દૂર છે. એરપોર્ટથી તમે પ્રાઇવેટ વાહનો દ્વારા પણ અહીં આવી શકો છો. જો આપ અહીં સડકમાર્ગે આવવા માંગતા હોવ તો અહીં સરકારી બસોની સુવિધા પણ છે. જ્યારે ટ્રેન મારફતે અહીં આવવા એક નાનું રેલવે સ્ટેશન ઉપલબ્ધ છે, જે પશ્ચિમ બંગાળનાં તમામ મોટા શહેરો સાથે જોડાયેલું નથી. જોકે, ન્યૂ ફરક્કા જંક્શન તારાપીઠનું નજીકનું રેલવે સ્ટેશન છે, જે તારાપીઠ શહેરથી લગભગ 85થી 90 કિમી.ના અંતરે આવેલું છે. ફરક્કા જંક્શન દિલ્હી, બેંગ્લુરુ, મુંબઈ, પટના, ભાગલપુર અને કોલકાતા ઉપરાંત અન્ય રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ જોડાયેલું છે.