- માછીમારોને 9 લાખથી વધુનું વળતર ચુકવાયું
- સિંહ-દીપડા દ્વારા પશુ મારણના 15 હજારથી વધુ બનાવો
- નળ સરોવર ખાતે પક્ષીઓના શિકારની 9 ઘટના
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 72 વ્હેલ શાર્ક માછલીને બચાવવામાં આવી છે, જે પૈકી 9.03 લાખનું વળતર આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા કિનારે મળતી વહેલ શાર્કને બચાવવા માટે યોજના અમલી છે, માછલી પકડવાની નેટ એટલે કે જાળમાં ફસાયેલી વ્હેલ શાર્કને બચાવવા જાળ કાપી મુક્ત કરતાં જાળને થયેલું નુકસાન અથવા તો 25 હજાર એ બેમાંથી જે ઓછું હોય તેટલા પ્રમાણમાં વળતર ચુકવવાની જોગવાઈ છે. વર્ષ 2022માં 41 અને 2023માં 31 એમ 72 વ્હેલ શાર્ક બચાવી લેવાઈ છે. વિધાનસભા ગૃહમાં સરકારે આ માહિતી આપી છે.
સિંહ-દીપડા દ્વારા પશુ મારણના 15 હજારથી વધુ બનાવો
રાજ્યમાં સિંહ અને દીપડા દ્વારા પશુ મારણના કિસ્સા સતત વધી રહ્યા છે. બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા પશુ મારણના 15,343 બનાવો બન્યા છે. જે પૈકી સરકારે 12.07 કરોડનું વળતર પશુ માલિકોને ચુકવ્યું છે. વર્ષ 2022માં સિંહ દ્વારા પશુ મારણના 4683, 2023માં 5468 જ્યારે દીપડા દ્વારા 2231 અને 2961 કિસ્સા બન્યા હતા.
નળ સરોવર ખાતે પક્ષીઓના શિકારની 9 ઘટના
નળ સરોવર ખાતે પક્ષીઓના શિકારની 2022માં 3 અને 2023માં 6 એમ 9 ઘટના બની છે, આ ઘટનાઓમાં ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે.


