- દિવાળીપુરા ન્યાયમંદિર કૅમ્પસમાં બનેલી ઘટનાથી ઉત્તેજના
- પોલીસ જાપ્તા વચ્ચે આરોપી પર શાહી છાંટનાર પૂર્વ યૂથ કોંગ્રેસ પ્રમુખની અટકાયત
- બનાવથી એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
હરણી લેકઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટના કેસમાં ધરપકડ કરવામાં આવેલાં કોટિયા પ્રોજેક્ટ કંપનીના ભાગીદાર બિનીત કોટિયાનું આજે દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટ કૅમ્પસમાં શાહી છાંટીને મોઢું કાળું કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવીને એસ.આઈ.ટી. દ્વારા પોલીસ જાપ્તામાં આરોપીને સરકારી વાહન તરફ લઈ જવાતો હતો ત્યારે વ્હાઈટ શર્ટ અને બ્લ્યૂ જિન્સમાં સામેની બાજુથી ચાલતા આવેલાં પૂર્વ યૂથ કોંગ્રેસ પ્રમુખે શાહી છાંટી હતી. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાથી ઉત્તેજના વ્યાપી હતી.
હરણી લેકઝોનનો મ્યુનિ. કોર્પોરેશન સાથે કરાર કરનાર કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર બિનીત હિતેશભાઈ કોટિયા (રહે, દિવાળીપુરા ગાર્ડન પાછળ, એરિસ સિગ્નેચરએપાર્ટમેન્ટ,)ની ગઈકાલે મંગળવારે નમતી બપોરે એસ.આઈ.ટી. દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જેઓ તા.25મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. બીજી તરફ બિનીત કોટિયાના રિમાન્ડ મેળવવા માટે આજે બુધવારે બપોરે પોલીસ જાપ્તા વચ્ચે દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 7 દિવસના રિમાન્ડનો કોર્ટ પાસેથી હુકમ મેળવીને પોલીસ જાપ્તા વચ્ચે પરત લઈ જવામાં આવી રહયો હતો. ત્યારે સામેની દિશામાંથી ચાલતા આવી રહેલાં પૂર્વ યૂથ કોંગ્રેસ પ્રમુખ કુલદિપસિંહે શાહી છાંટીને આરોપી બિનીત કોટિયાનું મોઢું કાળું કર્યુ હતું. આ બનાવથી એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂર્વ યૂથ કોંગ્રેસ પ્રમુખની સ્થળ પરથી પોલીસે અટકાયત કરી હતી જેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


