લાઈટ, ઘેરા, લાઈન જેવી ફિશીંગ પ્રવૃત્તિ અટકાવવા કાયદામાં સ્પષ્ટતા ન હોવાથી કડક કાર્યવાહી ન થતી હોવાથી માછીમારોમાં રોષ
રાજ્યના દરીયામાં ગેરકાયદેસર રીતે લાઈટ, ઘેરા, લાઈન જેવી ફિશીંગ પ્રવૃત્તિઓ મોટા પાયે થઈ રહી હોવાથી માછીમારો અને મત્સ્યોદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. તો કાયદામાં સ્પષ્ટ જોગવાઈના અભાવે આવી રાક્ષસી ફિશીંગની પ્રવૃત્તિઓ મોટા પાયે થઈ રહી છે ત્યારે તેને તત્કાલ પ્રભાવથી રોકવા માટે આજે વેરાવળમાં ખારવા અને કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.
વેરાવળ ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, ભીડીયા કોળી સમાજના જેન્તીભાઈ સોલંકી, લક્ષ્મીકાંત સોલંકી, વિરજીભાઈ સોલંકી, નગરસેવક પરેશ કોટીયા, હીરાકોટ બંદરના શાંતિલાલ વંશની આગેવાનીમાં મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
જેમાં જણાવેલ કે, છેલ્લા થોડા સમયમાં અન્ય બંદરોનાં માછીમારો ગ્રુપ બનાવી પોતાની ફીશીંગ બોટો થકી ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન, લાઈટ અને ઘેરા જેવી રાક્ષસી ફીશીંગની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના કારણે માછીમારો અને મત્સ્યોદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. આ પ્રકારની રાક્ષસી પધ્ધતિથી ફીશીંગ કરતી બોટો અન્ય રાજયોની હોય છે. જે પોતાના વિસ્તારમાં આવી ગેરકાયદેસર ફિશીંગની પ્રવૃત્તિ કરી માછલીઓનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢી નાખતા ત્યાંનો દરિયો લગભગ ખાલી જેવો કરી દીધેલ છે. જેથી હવે ગુજરાતના દરિયામાં રહેલી ભરપુર માછલીઓનું નિકંદન કાઢવા રાક્ષસી પ્રવૃત્તિથી ફિશીંગ કરી રહ્યા હોય જેને રોકવું જરૂરી છે.
વધુમાં વિદેશોમાં આ પ્રકારની પધ્ધતિથી કરવામાં આવેલ ફીશીંગનાં અત્યંત માઠા પરિણામ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં આ પ્રકારની પધ્ધતિથી કરવામાં આવતી ફીશીંગથી નાની ફાઈબર હોડીઓ અને બોટોને માછલીનો મળવાનું બંધ થઈ રહ્યુ છે. ત્યારે આવી એક હોડી -બોટ બંધ થવાથી આશરે એકસો જેટલા કુંટુંબોની રોજીરોટી છીનવાઈ છે. તો આવી ફિશીંગ અટકાવવા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ ન હોવાના કારણે બંધ થવાના બદલે વધી ગઈ છે. જેથી રાજ્યના માછીમારો અને મત્સ્યોદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સત્વરે કાયદામાં સુધારો કરી રાક્ષસી પ્રવૃત્તિથી થતી ફિશીંગ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. આ મુજબ કાર્યવાહી નહીં થાય તો માછીમારોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આગળના પગલાં ભરવા પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે


