- કોંગ્રેસના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
- ઈઝરાયેલના પીએમની હત્યા કરવાનું કહ્યું
- કેરળમાં એક જનસભામાં આપ્યું નિવેદન
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિથને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સાંસદે પીએમ બેન્જામિન નેતન્યાહુને યુદ્ધ અપરાધી ગણાવ્યા અને કહ્યું કે નેતન્યાહુને કોઈપણ ટ્રાયલ વિના ગોળી મારી દેવી જોઈએ. કોંગ્રેસ સાંસદનું આ નિવેદન ગાઝા પર ઈઝરાયેલના હુમલા વચ્ચે આવ્યું છે.
કેરળના કાસરગોડમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેરળના કાસરગોડમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજાઈ હતી. રેલીને સંબોધતા, કોંગ્રેસના નેતા રાજમોહન ઉન્નિથને ઇઝરાયલી પીએમ સામે ન્યુરેમબર્ગ મોડલ જેવી કવાયતની ખુલ્લેઆમ હિમાયત કરી હતી. રાજમોહન ઉન્નિથને કહ્યું કે તમે પૂછી શકો છો કે જિનીવા કન્વેન્શન હેઠળના તમામ કરારો તોડનારાઓ સાથે શું કરવું જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધ અપરાધોના દોષિતોને ન્યાયમાં લાવવા માટે ન્યુરેમબર્ગ ટ્રાયલ્સ નામની અદાલતી કાર્યવાહી ચલાવાઈ હતી. ન્યુરેમબર્ગ મોડલ યુદ્ધ અપરાધોના આરોપીઓને ટ્રાયલ વિના ફાંસી આપવામાં આવી હતી અથવા તો સીધી ગોળી મારવામાં આવી હતી. હવે સમય આવી ગયો છે કે ન્યુરેમબર્ગ મોડલ અહીં ઈઝરાયેલી વડાપ્રધાન સામે લાગુ કરવામાં આવે. આજે બેન્જામિન નેતન્યાહુ એક યુદ્ધ અપરાધી તરીકે વિશ્વ સમક્ષ ઉભા છે. હવે સમય આવી ગયો છે કે નેતન્યાહુને ગોળી મારી દેવામાં આવે. શુક્રવારે કાસરગોડ યુનાઇટેડ મુસ્લિમ જમાત દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકારણીમાંથી અભિનેતા બનેલા ઉન્નિથન લોકસભામાં કાસરગોડનું પ્રતિનિધિત્વ કરે છે.
હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝાને ઘમરોળ્યું
7 ઓક્ટોબરના રોજ, હમાસે ઇઝરાયેલ પર એક સાથે પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા અને સેંકડો લડવૈયાઓ સરહદેથી ઘૂસીને ઈઝરાયેલમાં નરસંહાર કર્યો. હમાસના આ હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર સતત હુમલા શરૂ કર્યા હતા. આ હુમલાઓથી ગાઝાપટ્ટી હાલમાં સંપૂર્ણપણે નાશ પામી છે એવું કહી શકાય. લાખો પેલેસ્ટાઈનીઓ ઘરવિહોણાં થઈ ગયા છે. હજારો માર્યા ગયા છે અને એનાથી વધારે તો ઘાયલ થયા છે. ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓની મૂળભૂત સુવિધાઓ આપવાનું બંધ કરી દીધું છે. હોસ્પિટલોમાં વીજળી અને પાણી નથી. ઈંધણના અભાવે ગાઝાની હોસ્પિટલોમાં બાળકો અને વૃદ્ધો સતત મૃત્યુ પામી રહ્યા છે. દરમિયાન, એક મહત્વપૂર્ણ પગલા તરીકે, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોલિવિયા, કોમોરોસ અને જિબુતીએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ને રેફરલ સબમિટ કર્યું. તેણે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં સંભવિત ગુનાઓની તપાસની વિનંતી કરી છે.