- યુવતીની ફરિયાદના આધારે આધેડની કરાઈ ધરપકડ
- યુવતીનો પીછો કરી કરતો શારીરિક અડપલા
- મણિનગર પોલીસે છેડતી અને ધમકીની નોંધી ફરિયાદ
મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ભરતભાઈ વાઘેલા છે.જે સર્વન્ટ તરીકે LG હોસ્પિટલમાં કામ કરે છે.જોકે તેમની ધરપકડ છેડતીના ગુનામાં કરવામાં આવી છે. અને ફરિયાદ પણ અન્ય કોઈએ નહીં હોસ્પિટલની નર્સ દ્વારા જ નોંધાવવામાં આવી હતી.મહત્વનું છે કે આરોપી ભરત વાઘેલા અવારનવાર નર્સનો પીછો કરી શારીરિક અડપલા કરતો હતો. જેથી કંટાળી નર્સે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મણીનગર પોલીસે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી.
યુવતીએ કરી હતી સત્તાધીશોને જાણ
હોસ્પિટલની નર્સે ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું કે, આ અગાઉ પણ તેણે હોસ્પિટલના સત્તાધીશોને આ અંગે લેખિતમાં જાણ કરી હતી.જોકે કોઈ પગલાં ન લેવાતા આરોપીની હિંમત ખુલી ગઈ હતી.અને ગઈકાલે લિફ્ટમાં નર્સની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી.સાથે જ આરોપી 35 વર્ષથી હોસ્પિટલમાં કામ કરતો હોવાથી તેને લિફ્ટ માં સીસીટીવી ન હોવાનો પણ ખ્યાલ હતો.જેથી પોતાની વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળે તે વાત જાણી છેડતી કરી હતી.મહત્વનું છે કે,આરોપી છેડતીની આ ફરિયાદને પોતાના પર ઈર્ષા હોવાનું જણાવી ખોટી ફરિયાદ કરી હોવાનું રટણ.કરી રહ્યો છે.
સત્તાધીશોની પણ થઈ શકે છે પૂછપરછ
નર્સની છેડતીની ફરિયાદને પોલીસે ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે.સાથે જ આરોપીએ હોસ્પિટલમાં અન્ય કોઈ મહિલા,નર્સ કે યુવતી સાથે આ રીતનું કૃત્ય કર્યું છે, કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે..સાથે જ અગાઉ મળેલી ફરિયાદની હોસ્પિટલના સત્તાધીશો એ કેમ ગંભીરતાથી ન લીધી તે અંગે પણ કાર્યવાહી હાથધરી છે.


