3૦થી વધુ સ્થળોએ ૨૦૦થી વધુ આયકર અધિકારીઓ ત્રાટકયા
વિનેશ પટેલ, નિલેશ જાગાણી, દિલીપ લાડાણી, મયુર રાદડીયા, દાનુભા, મહિપતસિંહ ચુડાસમા સહિતના બિઝનેસ અને નિવાસ સહિતના સ્થળો પર તપાસની તવાઇ
ગુજરાતના સૌથી મોટા ૪૦ માળના પ્રોજેકટ સાથે સુરખીઓમાં આવેલા બિલ્ડરના અનેક પ્રોજેકટ પર ITની બાજ નજર
રાજકોટના ટોચના ઓરબીટ બિલ્ડર, લાડાણી એસોસીએટ્સ સહિતના બિલ્ડર ગ્રુપ પર આજે વહેલી સવારે આવક વેરાના દરોડા પડતાં બિલ્ડર લોબીમાં સનસનાટી મચી જવા પામી છે. આવકવેરા રાજકોટ ઉપરાંત અમદાવાદ સહિતના અનેક સ્થળોએથી આવકવેરાના અધિકારીઓની અંદાજે ૨૦૦થી વધુની ટીમે એકત્રીત થઇ એક સાથે 3૦થી વધુ સ્થળોએ એક સમયે જ દરોડા પાડતા બિલ્ડરોમાં હડકંપ મચી ગયો હતો.
ઓરબીટ બિલ્ડરના વિનેશ પટેલ, દિલીપ લાડાણી, મયુર રાદડીયા, દાનુભા, મહિપતસિંહ ચુડાસમા સહિતના બિઝનેસ અને નિવાસ સહિતના સ્થળો પર તપાસની તવાઇ શરૂ થતાં વહેલી સવારમાં જ બિલ્ડર લોબીમાં લાકડીયા તારની મારફત આ વાત વહેતી થઇ ગઇ હતી. આવકવેરા તંત્ર દ્વારા બિલ્ડરના નિવાસ સ્થાને તેમના ભાગીદારોના નિવાસ સ્થાનો, કચેરી અને મુખ્ય ચાલુ તમામ સાઇટ પર એક સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ આવકવેરા વિભાગના ઇન્વેસ્ટીગેશન વિંગના ડાયરેકટર મીના અને આસી.ડાયરેકટર તિવારીના માર્ગદર્શન હેઠળ ઇન્વેસ્ટીગેશન વિંગ સાથે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા સહિતના આવકવેરા તંત્રના અધિકારી જોડાયા હતાં. ઓરબીટ ગ્રુપ દ્વારા ગાર્ડન નામથી અનેક પ્રોજેકટ હાથ ધરાયા છે. જેમાં ગેલેકસી ગાર્ડન, ઓરબીટ સ્કાય ગાર્ડન, ઓરબીટ ગાર્ડન સહિતના પ્રોજેકટ તથા કોટેચા ચોકથી અમીન માર્ગ જતાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલની બાજુમાં આવેલા ટવીન સ્ટાર સહિતના પ્રોજેકટ પર આવક વેરાની તપાસ વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે.
આવકવેરાના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારથી બિલ્ડરો તથા તેના ભાગીદારોના કનેકશન ધરાવતા 3૦થી વધુ સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં પ્રારંભીક તપાસમાં જ કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર હાથ લાગ્યા છે. આવકવેરા તંત્રએ કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક, પેનડ્રાઇવ, મેઇલ રેકોર્ડ, મોબાઇલ રેકર્ડ વગેરેના ઇન્વેસ્ટીગેશન દ્વારા ફોરેન્સિક તપાસ પણ હાથ ધરી છે.
વિનેશ પટેલ અને દિલીપ લાડાણી દ્વારા શહેરના મુંજકા વિસ્તારમાં તાજેતરમાં લોન્ચ કરાયેલા ગુજરાતના સૌથી ઊંચા ૪૦ માળના પ્રોજેકટ બાદ આવકવેરા તંત્રની ધ્યાનમાં આ ગ્રુપ આવ્યું હતું અને લાંબી સ્ક્રુટીની બાદ આવકવેરા તંત્રએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.