– ખોરાકની પસંદગીમાં ફેરબદલ માગમાં વધારા માટેનું એક કારણ
Updated: Oct 25th, 2023
મુંબઈ : દેશમાં શાકભાજીની વધી રહેલી માગ પ્રમાણે પૂરવઠામાં વધારો નહીં થતાં ખાધાખોરાકીના ફુગાવામાં અવારનવાર વધારો થયા કરે છે. ક્રિસિલ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે, ફૂડ શ્રેણીમાં શાકભાજીનો ફુગાવો એકદમ જ વોલેટાઈલ રહ્યા કરે છે.
દેશમાં ખોરાકની પસંદગીમાં ફેરબદલ, આવકમાં વધારો તથા વસતિ વધતા શાકભાજી માટેની માગમાં પણ વધારો થઈ રહ્યો છે. માગ પ્રમાણે પૂરવઠામાં વધારો જોવા મળતો નથી.
તાપમાનમાં વધારો ઉપરાંત કીટાણુ હુમલા તથા બગાડને કારણે બજારમાં શાકભાજીની ઉપલબ્ધતા પણ નીચી રહ્યા કરે છે, એમ ક્રિસિલના રિપોર્ટમાં જણાવાયું છે.
ભાવને લઈને અનિશ્ચિતતાના જોખમને કારણે ખેડૂતો પણ શાકભાજી ઉગાડવામાં ખાસ ઉત્સાહ ધરાવતા નથી હોતા.
ફૂડ ઈન્ડેકસમાં શાકભાજીનું વેઈટેજ ૧૫.૫૦ ટકા છે. શાકભાજીના ઉત્પાદનમાં ચીન બાદ ભારતનો ક્રમ આવે છે, પરંતુ ઉત્પાદન વૃદ્ધિ તાજેતરમાં મંદ પડી છે, જ્યારે માગમાં વધારો થઈ રહ્યો છે.
ખેતના સ્તરે જ ગ્રેડિંગ તથા છૂટા પાડવાની કામગીરી દરમિયાન શાકભાજીના મોટી સંખ્યામાં બગાડ થાય છે.
આ બગાડ અને વેડફાટ અટકાવવા આધુનિક ટેકનોલોજીના વપરાશ પર ભાર અપાઈ રહ્યો છે.


