– સરકારી માલિકીની એલઆઈસીના બિઝનેસમાં ઘટાડો
Updated: Nov 9th, 2023
મુંબઈ : ઓકટોબરમાં દેશની જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ્સ મારફતની આવકમાં વાર્ષિક ધોરણે ૭.૬૪ ટકા વધારો થયો છે. સરકારી માલિકીની લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ની નવા બિઝનેસ પ્રીમિયમ્સની આવકમાં ઘટાડો થયો છે, પરંતુ ખાનગી જીવન વીમા કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થતાં એકંદર ઉદ્યોગની આવકમાં વૃદ્ધિ જોવા મળી છે.
લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના આંકડા પ્રમાણે ગયા મહિને જીવન વીમા ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમ્સની આવકનો આંક રૂપિયા ૨૬૮૧૯.૦૧કરોડ રહ્યો છે.
ખાનગી જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ્સ મારફતની આવક વાર્ષિક ધોરણે ૨૪.૧૮ ટકા વધી રૂપિયા ૧૧૧૭૧.૮૬ કરોડ રહી છે જ્યારે એલઆઈસીની આવક ૧.૭૦ ટકા ઘટી રૂપિયા ૧૫૬૪૭.૧૫ કરોડ રહ્યાનું કાઉન્સિલના આંકડા જણાવે છે.
વર્તમાન વર્ષના ઓકટોબર સુધીની વાત કરીએે તો એલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૨૨.૭૧ ટકા ઘટી રૂપિયા ૧૦૮૨૮૯.૭૭ કરોડ રહી છે, જે ગયા વર્ષના ઓકટોબર સુધીમાં રૂપિયા ૧૪૦૧૧૧.૨૦ કરોડ રહી હતી. ખાનગી વીમા કંપનીઓની આવક ૧૫.૧૬ ટકા વધી રૂપિયા ૭૬૯૦૬.૦૫ કરોડ રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.