- અમિત શાહ આજે એન્ડોરોલોજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
- ફ્રાન્સ, ઈટાલી, યુએઈ જેવા દેશોના સર્જનો વિના મૂલ્યે ઓપરેશન કરશે
- પથરી માટે મેટાબોલિક, જીનેટિક જેવા કારણ જવાબદાર
અમદાવાદ શહેરમાં છઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડોરોલોજી કોન્ફરન્સ યોજાઈ રહી છે, દેશની સૌથી મોટી લાઈવ ઓપરેટિવ યુરોલોજી ઈવેન્ટનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 16મી ડિસેમ્બરના શનિવારે અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. તબીબોએ જણાવ્યું કે, કિડની સ્ટોનના કેસ પહેલાં પુરુષોમાં વધુ જોવા મળતાં હતા, અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી બાળકો અને મહિલાઓમાં વધુ પ્રમાણમાં કેસ જોવા મળી રહ્યા છે, પથરીના કેસમાં એકંદરે 10થી 20 ટકા જેટલો વધારો થયો છે, જો સમયસર સારવાર ન મળે તો કિડની ફેલ્યોરનું જોખમ રહે છે.
તબીબોએ કહ્યું કે, એડવાન્સમેન્ટ ઈન એન્ડોરોલોજી કોન્ફરન્સનું આયોજન ગુજરાત યુરોલોજી એસોસિયેશન, અમદાવાદ યુરોલોજી એસોસિયેશન વગેરે દ્વારા કરાયું છે. આ કાર્યક્રમમાં 12 દેશના નિષ્ણાતો, તબીબો સામેલ થવાના છે. દેશ-વિદેશના 600થી વધુ યુરોલોજિસ્ટ સહભાગી થશે. આ સાથે જ 25થી વધુ લાઈવ સર્જરી દર્શાવવામાં આવશે. ફ્રાન્સ, ઈટાલી, જર્મની, સ્વિટઝર્લેન્ડ, યુએઈ, તુર્કી અને નેપાળ જેવા દેશોના સર્જનો દ્વારા દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન કરાશે. કોન્ફરન્સના નોલેજ શેરિંગ સેશન્સ ભારત અને પાડોશી દેશોના યુરોલોજિસ્ટસને નવી અને આધુનિક સર્જરી ટેકનિકનો લાભ આપશે. પથરી માટે મેટાબોલિક, જીનેટિક જેવા કારણ જવાબદાર છે. આવા દર્દીઓએ તબીબી સલાહને અનુસરી માપસર પાણી પીવાનું રાખવું જોઈએ.


