રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 10 વિકેટે પરાજય થયો હતો. આ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટ હતી. આ હાર બાદ રોહિત શર્માની કેપ્ટન્સી પર સવાલો ઉઠ્યા છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ કેપ્ટન રોહિત શર્મા પર સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો સંપૂર્ણ ઉપયોગ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે.
રોહિતની કપ્તાની પર ઉઠાવ્યા સવાલ
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે આકાશ ચોપરા કેટલાક ચાહકોને જવાબ આપે છે. એક ચાહકે રોહિત શર્માની કેપ્ટનશિપ વિશે એક પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં ચોપરાએ કહ્યું કે એડિલેડમાં હિટમેનની નિર્ણય લેવાની ક્ષમતા કેટલી નબળી હતી.
આકાશ ચોપરાએ કહ્યું, ” તમે બિલકુલ સાચા છો. શું આપણે હેડને બાઉન્સર્સ ફેંક્યા હતા? તમારે હેડને બાઉન્સર્સ ફેંકવા જોઈતા હતા. જો અમે તેમ ન કર્યું હોત, તો તે આઉટ ન થયો હોત અને અમને પરેશાન કરતો રહ્યો હોત. આ પહેલા પણ તેણે વર્લ્ડ કપ ફાઇનલમાં અને WTCમાં પણ આવું જ કર્યું હતું.
બુમરાહને લઈને કહી મોટી વાત
આકાશ ચોપરાએ બુમરાહને લઈને કહ્યું “જસપ્રીત બુમરાહે 4 ઓવરનો સ્પેલ નાખ્યો હતો અને તેમાં એક વિકેટ પણ લીધી હતી. તો પછી તેણે માત્ર 4 ઓવર શા માટે નાખી અને તે પછી તેણે બિલકુલ બોલિંગ કેમ ન કરી? તેણે આખા સેશનમાં બોલિંગ કરી ન હતી. તેથી જ્યારે તમે કહો છો કે તમે કપ્તાનીમાં ચાલ ચૂકી ગયા છો, તો તમે 100 ટકા સાચા છો.
બ્રિસ્બેનમાં રમાશે ત્રીજી ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. ગાબા ટેસ્ટ 14મી ડિસેમ્બરથી શરૂ થશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે 5.50 કલાકે શરૂ થશે. આ મેચ જોવા માટે તમારે ઊંઘનું બલિદાન આપવું પડશે.


