ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડના મેદાન પર રમાશે. પર્થમાં ટીમ ઈન્ડિયાની તસવીર સુપરહિટ રહી હતી. ટીમના ફાસ્ટ બોલરોએ ઓપ્ટસ સ્ટેડિયમમાં જીતની ગાથા લખી હતી. પર્થમાં હાર છતાં કાંગારૂ ટીમ બીજી ટેસ્ટ મેચ માટે પણ પોતાની કબર ખોદી રહી છે. સિરીઝમાં 1-0થી પાછળ હોવા છતાં ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ માટે ગ્રીન પીચ તૈયાર કરી છે.
ઓસ્ટ્રેલિયાએ પોતાની જ કબર ખોદી!
એડિલેડ ગ્રાઉન્ડની પિચની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીચ પર ઘણું બધું લીલું ઘાસ છોડી દેવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર પિંક બોલ ટેસ્ટ માટે પિચ પર 6 mm ઘાસ છે. આને જોતા સમજી શકાય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રીન પીચ તૈયાર કરીને ભારતીય બેટ્સમેનોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, પર્થ ટેસ્ટમાં ટીમની બાજી પોતાના પર ઉલ્ટી પડી હતી. પ્રથમ દાવમાં ભારતને 150 રનમાં આઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ માત્ર 104 રન બનાવીને પડી ભાંગી હતી. કાંગારૂ બેટિંગ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ થયા પછી, બીજા જ દિવસે પીચ પરથી તમામ ઘાસ દૂર કરવામાં આવ્યું હતું.
પિંક બોલમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ મજબૂત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. ડે-નાઈટ ટેસ્ટમાં કાંગારૂ ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી આ બોલથી સૌથી વધુ 12 મેચ રમી છે. આ 12 મેચોમાંથી ટીમે 11માં જીત મેળવી છે, જ્યારે ટીમને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો આપણે રેકોર્ડ્સ પર નજર કરીએ તો, કાંગારૂ ફાસ્ટ બોલરોએ પિંક બોલથી ઘણી તબાહી મચાવી છે. વર્ષ 2020માં આ જ મેદાન પર પિંક બોલથી રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ટીમના બોલરોએ બીજી ઈનિંગમાં માત્ર 36 રનમાં જ આખી ભારતીય ટીમને આઉટ કરી દીધી હતી.


