ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં નાથન મેકસ્વીનીની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન તરીકે સેમ કોન્સ્ટાસનો સમાવેશ કર્યો છે. તેણે ઉસ્માન ખ્વાજા સાથે મળીને ઇનિંગ્સની શરૂઆત કરી હતી. સેમ કોન્સ્ટાસે પોતાની ડેબ્યુ મેચમાં શાનદાર બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.
સેમે બનાવ્યો આ ખાસ રેકોર્ડ
સેમ મેચની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ તેની ડેબ્યૂ મેચ છે અને તેની પહેલી જ મેચમાં તેણે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સેમે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય આ યુવા ખેલાડીએ ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સામે પણ શાનદાર શોટ ફટકાર્યા છે. હવે સેમ કોન્સ્ટાસ ટેસ્ટ ક્રિકેટની એક જ ઇનિંગમાં બુમરાહ સામે 2 સિક્સર મારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ ઈંગ્લેન્ડના જોસ બટલરે વર્ષ 2018માં હાંસલ કરી હતી.
સેમે 60 રનની ઇનિંગ રમી
આ મેચમાં સેમે પહેલા જ બોલથી ભારતીય બોલરો પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. સેમે ઝડપી બોલરો સામે ઘણા શાનદાર શોટ ફટકાર્યા હતા. જોકે, તેને સ્પિન સામે થોડી મુશ્કેલી પડી હતી. પ્રથમ દિવસે સેમ 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં સેમે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ સેમને પેવેલિયન મોકલ્યો હતો.


