ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં ત્રીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવી લીધા છે. નીતિશ રેડ્ડી (105) અને સિરાજ (2) ક્રિઝ પર છે. આ મેચમાં નીતિશ રેડ્ડી સિવાય મોહમ્મદ સિરાજ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
જાણો કેમ ટ્રેન્ડમાં છે સિરાજ
જ્યારે નીતિશ રેડ્ડી 97 રનના સ્કોર પર હતા ત્યારે વોશિંગ્ટન સુંદર આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ બુમરાહ બેટિંગ કરવા આવ્યો હતો. નીતિશ રેડ્ડીની આગલી ઓવરમાં સ્ટ્રાઈક હતી, પરંતુ સ્કોટ બોલેન્ડની ઓવરમાં સિંગલ લેવાનો મોકો મળ્યા પછી પણ તેને રન લીધો ન હતો. બુમરાહ પર વધુ આત્મવિશ્વાસ ન દર્શાવવાનું કારણ એ પણ હતું કે તે સદી ફટકારવાનું ચૂકવા માંગતો ન હતો. જ્યારે બુમરાહ આગલી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો ત્યારે ભારતીય ફેન્સ નિરાશ થઈ ગયા. પેટ કમિન્સ આ ઓવર ફેંકી રહ્યો હતો અને હજુ ત્રણ બોલ બાકી હતા. નીતિશ રેડ્ડીની સદીની આશા મોહમ્મદ સિરાજ પર ટકી હતી. આ દરમિયાન સિરાજે ખૂબ જ સમજદારીથી રમ્યો અને નીતિશ કુમારે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.
સિરાજ સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ
સિરાજની બેટિંગ જોયા બાદ ફેન્સ પણ ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યા હતા. આ પછી સિરાજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. ફેન્સે તેની બેટિંગની પ્રશંસા કરી હતી. દિવસની રમતના અંતે સિરાજ 7 બોલમાં 2 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ મેચના ચોથા દિવસે તેની પાસે સિરાજ સાથે મોટી ભાગીદારી કરવાની તક છે.
આ સિદ્ધિ મેળવનાર બન્યો ત્રીજો ભારતીય
આ સદી સાથે નીતીશ ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેનાથી આગળ રિષભ પંત અને સચિન તેંડુલકર છે. પંતે 21 વર્ષ અને 92 દિવસની ઉંમરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી. સચિને 18 વર્ષ અને 256 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી. તેને વોશિંગ્ટન સુંદર સાથે મળીને આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારત માટે આઠમી વિકેટની આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. સુંદરે 50 રન બનાવ્યા હતા.


