- વિરાટ કોહલીએ વર્લ્ડકપમા રચ્યો ઇતિહાસ
- વર્લ્ડકપ 2023માં કોહલીએ 765 રન બનાવ્યા
- કોહલી ODI વર્લ્ડકપના ઈતિહાસમાં બીજો ટોપ સ્કોરર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં ભારતીય બેટિંગનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ફરી એકવાર વિરાટ કોહલીએ ઇનિંગની કમાન સંભાળી અને 54 રનનો મહત્વપૂર્ણ સ્કોર કર્યો હતો. તેણે ચાલુ ટુર્નામેન્ટમાં તેનો 9મો ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો. જ્યારે આ વર્લ્ડકપમાં આ તેની છઠ્ઠી ફિફ્ટી હતી. વિરાટે આ ટૂર્નામેન્ટમાં સચિનના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે હવે વધુ એક રેકોર્ડ તેના નિશાના પર આવી ગયો છે.
વિરાટ સચિનના રેકોર્ડની નજીક
વિરાટ કોહલીએ વર્તમાન વર્લ્ડકપમાં એક પછી એક ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 765 રન બનાવ્યા હતા. આ કોઈપણ એક વર્લ્ડકપમાં કોઈપણ ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા સચિન તેંડુલકરે 2003માં 673 રન બનાવ્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ આ જ વર્લ્ડકપમાં 50 ODI સદી પૂરી કરીને સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. હવે ફાઈનલ મેચમાં 54 રનની ઈનિંગ રમીને વિરાટ સચિનના વધુ એક રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. વાસ્તવમાં, વિરાટ કોહલી હવે ODI વર્લ્ડકપના ઈતિહાસમાં બીજો ટોપ સ્કોરર બની ગયો છે.
ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રન
- સચિન તેંડુલકર- 2278 રન
- વિરાટ કોહલી- 1795 રન
- રિકી પોન્ટિંગ- 1743 રન
- રોહિત શર્મા- 1575 રન
- કુમાર સંગાકારા- 1532 રન
વર્લ્ડકપ 2023માં વિરાટનું પ્રદર્શન
વિરાટ કોહલીએ વર્લ્ડકપ 2023માં 11 મેચની 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા છે. તેણે આ વર્લ્ડકપમાં 95.6ની એવરેજ અને 90.3ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ફિફ્ટી અને ત્રણ સદી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં તેના નામે 68 ચોગ્ગા અને 9 છગ્ગા નોંધાયા હતા.


