ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ઈતિહાસ રચી દીધો છે. તેને બોક્સિંગ ટેસ્ટ મેચમાં તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે.
આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. નીતિશ કુમાર રેડ્ડી માટે આ સદી ખૂબ જ ખાસ છે કારણ કે તેના પિતા તેને જોવા સ્ટેન્ડમાં બેઠા હતા. પુત્રને જોઈને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
‘આ ક્ષણ અમારા માટે ખાસ છે’
નીતીશના પિતાએ મેચ દરમિયાન એડમ ગિલક્રિસ્ટને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમને કહ્યું કે “તે પોતાના રાજ્ય માટે અંડર-14, અંડર-15માંથી રમી રહ્યો છે. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દેશ માટે રમી રહ્યો છે. આ અમારા માટે ખાસ ક્ષણ છે.
આ દરમિયાન ગિલક્રિસ્ટે તેને પૂછ્યું કે જ્યારે નીતિશ 99 રન પર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતો અને મોહમ્મદ સિરાજ સ્ટ્રાઈક પર હતો અને માત્ર એક વિકેટ બાકી હતી ત્યારે તે શું અનુભવી રહ્યો હતો? આ સવાલનો જવાબ આપતાં નીતિશના પિતાએ કહ્યું, “સર, ઘણું ટેન્શન હતું. માત્ર છેલ્લી વિકેટ બાકી હતી અને સિરાજ સ્ટ્રાઈક પર હતો, ટેન્શન જ ટેન્શન હતું.
પિતાએ કર્યા છે ઘણાં ત્યાગ
નીતિશ કુમાર રેડ્ડી માટે અહીં પહોંચવું સરળ ન હતું. નીતિશ કુમાર રેડ્ડીએ કહ્યું કે તેમના પિતાએ તેમના માટે ઘણાં ત્યાગ કર્યા છે. બીસીસીઆઈ ટીવી પરના એક વીડિયોમાં નીતિશે કહ્યું કે “સાચું કહું તો જ્યારે હું નાનો હતો ત્યારે હું ગંભીર ન હતો. મારા પિતાએ મારા માટે તેમની નોકરી છોડી દીધી છે અને મારી સફળતા માટે ઘણું બલિદાન આપ્યું છે. એક દિવસ મેં તેમને આર્થિક સમસ્યાના કારણે રડતા જોયો અને મને લાગ્યું કે તે આ રીતે જીવી નહીં શકે અને પછી હું ગંભીર થઈ ગયો. જ્યારે મેં તેને મારી પહેલી જર્સી આપી અને મેં તેમના ચહેરા પર ખુશી જોઈ.


