હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને બરાબરી પર છે. ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચ ભારતે અને બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. આ પછી ગાબામાં રમાયેલી ત્રીજી મેચ ડ્રો રહી હતી. હવે બંને ટીમો મેલબોર્ન ટેસ્ટ દ્વારા સિરીઝમાં લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે ભારતે શુભમન ગિલના સ્થાને વોશિંગ્ટન સુંદરને રમ્યો હતો. પરંતુ મેચમાંથી બહાર હોવા છતાં ગિલ ટીમ ઈન્ડિયા સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ગિલે આ સમયગાળા દરમિયાન નેટમાં પરસેવો પાડ્યો હતો.
ગિલે બેટિંગ પ્રેક્ટિસ કરી
જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં બેટિંગ કરી રહી હતી તો બીજી તરફ શુભમન ગિલ નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જો કે ગિલ આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શક્યો ન હતો અને તેને બહાર બેસવું પડ્યું હતું, તેમ છતાં ગિલે રમત પ્રત્યે પોતાનું સમર્પણ બતાવ્યું અને લાઈવ મેચોની વચ્ચે પ્રેક્ટિસ કરવા આવ્યો. બીજા દિવસના ત્રીજા સેશનમાં તેણે નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. ચાહકો ગીલને તેની મહેનત માટે સલામ કરી રહ્યા છે.
મેલબોર્ન ટેસ્ટમાંથી શા માટે બહાર થયો ગિલ?
મેલબોર્ન ટેસ્ટમાં ગિલના બહાર થવાનું કારણ મેલબોર્નની પીચને ધ્યાનમાં રાખીને ટીમ પસંદ કરવાનું હતું. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ અભિષેક નાયરે પહેલા દિવસની રમત સમાપ્ત થયા બાદ આ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, પિચને ધ્યાનમાં રાખીને રવિન્દ્ર જાડેજાની સાથે અન્ય સ્પિનર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારણે ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
સિરીઝમાં ફ્લોપ રહ્યો હતો ગિલ
ગિલ ઈજાના કારણે આ સિરીઝની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. તે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાંથી પરત ફર્યો હતો. તેણે આ મેચની બંને ઇનિંગ્સમાં 59 રન બનાવ્યા હતા. આ પછી ગિલ ગાબા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. આ સિરીઝમાં અત્યાર સુધી તે બે મેચની ત્રણ ઇનિંગ્સમાં માત્ર 60 રન જ બનાવી શક્યો છે. તેનું બેટ સંપૂર્ણપણે શાંત થઈ ગયું છે.


