ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ભારતને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પિંક બોલમાં એડિલેડનો રેકોર્ડ ટીમ ઈન્ડિયા માટે સારો રહ્યો નથી. ટીમ ઈન્ડિયાની હાર બાદ હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત એક નાની બાળકી સાથે રમતા જોવા મળી રહ્યા છે.
નાની પરી સાથે ક્યૂટ વીડિયો વાયરલ
આ વીડિયો એડિલેડના એક મોલનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંત પહેલા નાની બાળકી સાથે રમે છે. બાળકી પણ પંત સાથે એકદમ કન્ફર્ટેબલ લાગે છે. પછી પંત નાની બાળકીને પોતાના ખોળામાં લઈ લે છે. પંતના ખોળામાં જઈને બાળકી ઘણી ખુશ દેખાય છે.
બંને ટેસ્ટમાં પંતનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બંને ટેસ્ટમાં પંત અત્યાર સુધી કોઈ મોટી ઈનિંગ બનાવી શક્યો નથી. તેણે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 37 અને 01 રન બનાવ્યા હતા. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં પણ પંતનું બેટ શાંત દેખાયું. તેણે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 21 અને 28 રન બનાવ્યા હતા.
બરાબરી પર છે સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝની બે મેચ રમાઈ ગઈ છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી, જે બાદ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
ગાબામાં રમાશે ત્રીજી ટેસ્ટ
હવે સિરીઝની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં રમાશે, જે 14 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 5:50 વાગ્યે શરૂ થશે. જે ટીમ આ ટેસ્ટ જીતશે તે સિરીઝમાં લીડ મેળવશે.


