ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન રિષભ પંતે 37 રનનું યોગદાન આપ્યું હતું. પંતે તેની ઇનિંગ દરમિયાન સિક્સર પણ ફટકારી હતી. તેણે પર્થ ટેસ્ટમાં પોતાની આગવી સ્ટાઈલ બતાવી હતી. પંતે આઈપીએલ સ્ટાઈલમાં સિક્સર ફટકારી હતી. સોશિયલ મીડિયા પર પણ આની ચર્ચા છે.
રિષભ પંતનો કરામાતી સિક્સ
ભારત તરફથી રિષભ પંત 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 78 બોલનો સામનો કરીને 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન પંતે શાનદાર સિક્સર ફટકારી હતી. ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર તેના સિક્સરની પ્રશંસા કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પંતની રસપ્રદ શૈલીની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
કેએલ રાહુલ વિવાદાસ્પદ રીત થયો આઉટ
ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 150 રન બનાવ્યા હતા. આ દરમિયાન પંતની સાથે નિતીશ રેડ્ડીએ પણ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. 59 બોલનો સામનો કરીને તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રેડ્ડીએ 41 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તે આઉટ થયો ત્યારે ઘણો હોબાળો થયો હતો. રાહુલ મિચેલ સ્ટાર્કના બોલ પર કેચ આઉટ જાહેર થયો હતો.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
તમને જણાવી દઈએ કે ભારત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવ માટે મેદાનમાં આવી હતી. તેની પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ 49 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. જેમા જસપ્રીત બુમરાહે 3 વિકેટ તથા સિરાજને 2 અને હર્ષિત રાણાને 1 સફળતા મળી છે.