- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ
- અમદાવાદમાં બંને ટીમ આવી આમને-સામને
- ભારતે ખિતાબ જીતવા માટે કરવો પડશે કમાલ
રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 240 રનમાં ઓલઆઉટ થઈ છે. ઈનિંગની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય બેટ્સમેનો પર દબદબો જાળવતા જોવા મળ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 66 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. હવે આ ઓછા ટોટલનો બચાવ કરવા માટે ભારતે એ જ પરાક્રમ કરવાની જરૂર છે જે કપિલ દેવની ટીમે 1983 વર્લ્ડકપ ફાઇનલમાં કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ બોલિંગ કરવાનો નિર્ણય લીઘો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતથી જ લથડતી જોવા મળી હતી. જો કે, કેપ્ટન રોહિત શર્માએ 151.61ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા ટીમને 47 રનની ઈનિંગ રમીને સારી શરૂઆત અપાવી હતી. ભારતે 10 ઓવરમાં 2 વિકેટે 80 રન બનાવ્યા હતા, પરંતુ આ પછી ધીમે-ધીમે ટીમ પર દબાણ આવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમનો મિડલ ઓર્ડર નિષ્ફળ થયો હતો.
સારી શરૂઆત ન મળી
ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા સારી શરૂઆત કરી શકી ન હતી. ભારતે 5મી ઓવરમાં જ શુભમન ગિલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની પાર્ટનરશિપ માત્ર 46 રનની થઈ હતી, જ્યારે 10મી ઓવરમાં ગ્લેન મેક્સવેલે કેપ્ટન રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તોફાની શૈલીમાં રમી રહેલો હિટમેન 31 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો.
કોહલી 54 રન બનાવીને આઉટ
ભારતીય ટીમ રોહિત શર્માની વિકેટમાંથી બહાર નીકળી શકી ન હતી કે 11મી ઓવરમાં શ્રેયસ અય્યર 4 રનના સ્કોર પર આઉટ થયો હતો. અય્યરને પેટ કમિન્સે આઉટ કર્યો હતો. જે બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ થઈ હતી. પેટ કમિન્સે 29મી ઓવરમાં વિરાટ કોહલીને બોલ્ડ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી. કોહલી 4 ફોરની મદદથી 54 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી છઠ્ઠા નંબરે આવેલો રવિન્દ્ર જાડેજા 36મી ઓવરમાં 9 રન બનાવીને આઉટ થયો હતો.
કેએલ રાહુલે 66 રન બનાવ્યા
આ પછી સારી ઇનિંગ તરફ આગળ વધી રહેલો કેએલ રાહુલ 42મી ઓવરમાં 1 ફોરની મદદથી 66 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. જે બાદ 44મી ઓવરમાં મોહમ્મદ શમીને મિચેલ સ્ટાર્ક 6 રનમાં આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાની બોલિંગ રહી ઘાતક
ઓસ્ટ્રેલિયા તરફથી ખૂબ જ શાનદાર બોલિંગ જોવા મળી હતી. મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 10 ઓવરમાં 55 રન આપ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે ગ્લેન મેક્સવેલ અને એડમ ઝામ્પાને 1-1 સફળતા મળી હતી.


