ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે સેમ કોન્સ્ટન્સ પોતાની ડેબ્યૂ મેચમાં ભારતીય બોલરોની ધોલાઈ કરશે. તેણે ઓસ્ટ્રેલિયા માટે તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચમાં 65 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી અને જસપ્રિત બુમરાહને સિક્સર ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. પરંતુ બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ સેશનની સૌથી યાદગાર ઘટના એ હતી જ્યારે વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટન્સ સામસામે આવ્યા હતા. વાતાવરણ એટલું ગરમાઈ ગયું કે અમ્પાયરે હસ્તક્ષેપ કરવા આગળ આવવું પડ્યું. હવે આઉટ થયા બાદ કોન્સ્ટન્સે એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે.
ડેબ્યૂ મેચમાં ફટકારી ફિફ્ટી
ચોક્કસપણે ડેબ્યૂ મેચે સેમ કોન્સ્ટન્સને ઓસ્ટ્રેલિયામાં મોટો સ્ટાર બનાવી દીધો છે. 60 રનની તોફાની ઇનિંગ રમ્યા બાદ તે ફેન્સને ઓટોગ્રાફ આપતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો અને કહ્યું કે કોહલી જે પણ કરે છે તે અકલ્પનીય છે.
કોન્સ્ટાસનો ફેવરિટ પ્લેયર છે વિરાટ
સેમ કોન્સ્ટાસને પૂછવામાં આવ્યું કે તેનો ફેવરિટ ક્રિકેટર કોણ છે. જવાબમાં તેણે કહ્યું, “વિરાટ કોહલી, તે જે પણ કરે છે તે શાનદાર છે.” અલગ વાત હતી કે વિરાટ કોહલીએ મેદાન પર આક્રમક રીતે તેનું સ્વાગત કર્યું. મેદાન પર બોલાચાલી બાદ કોન્સ્ટન્સે કહ્યું, “ક્રિકેટમાં આ બધું થાય છે. ભાવનાઓ અમારા બંને પર હાવી થઈ ગઈ હતી.”
જાડેજાએ કોન્સ્ટાસને કર્યો આઉટ
જસપ્રિત બુમરાહથી લઈને મોહમ્મદ સિરાજ અને આકાશદીપ પણ સેમ કોન્સ્ટન્સ સામે લાચાર દેખાતા હતા. તેણે પોતાની અડધી સદી પૂરી કરી ત્યાં સુધીમાં તેણે 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અંતે 20મી ઓવરમાં રવીન્દ્ર જાડેજા બોલિંગ કરવા આવ્યો હતો અને ઓવરના બીજા બોલ પર કોન્ટાસની તોફાની ઇનિંગ્સ 60 રનના સ્કોર પર પુરી થઈ ગઈ હતી. તેણે ઉસ્માન ખ્વાજા સાથે 89 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી.


