ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે દુબઈના મેદાન પર રમાઈ હતી. જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત લીધુ હતું. જેનાથી કાંગારૂ ટીમની આ ટુર્નામેન્ટમાં સફર અહીં સમાપ્ત થઈ ગઈ હતી. ભારતીય ટીમને સેમિફાઇનલ મેચ જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે 48.1 ઓવરમાં હાંસલ કરી લીધો. ટીમ ઈન્ડિયાના લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા જ્યારે શ્રેયસ ઐયરે 45 રન બનાવ્યા. આ મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ પણ દમદાર જોવા મળી હતી. મેચ બાદ શ્રેષ્ઠ ફિલ્ડરનો પણ મેડલ પણ આપવામાં આવ્યો હતો. આવો જાણીએ આ મેડલ કોને મળ્યો.
રવિશાસ્ત્રીએ કોને આપ્યો મેડલ ?
સેમિફાઇનલ મેચમાં ભારતની ફિલ્ડિંગ ઘણી સારી હતી જેમાં શુભમન ગિલે ટ્રેવિસ હેડનો શાનદાર રનિંગ કેચ પકડ્યો હતો જ્યારે શ્રેયસ ઐયરના શાનદાર થ્રોએ એલેક્સ કેરીને પેવેલિયન પાછો મોકલી દીધો હતો. શ્રેયસ ઐય્યરને સેમિફાઇનલ મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ મળ્યો જેમાં તેણે એક રન આઉટ કરવાની સાથે અને બાઉન્ડ્રી પર ઉત્તમ ફિલ્ડિંગ પણ કરી. આ મેડલ તેમને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. આ દરમિયાન રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમને તેમના ઉત્તમ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે જ્યારે બે ચેમ્પિયન ટીમો મેદાન પર રમે છે ત્યારે કેરેક્ટર જોવા મળે છે જે આજની રમતમાં જોવા મળ્યું. એક સંપૂર્ણ ટીમ પ્રયાસ છે જે તમને ફિનિશિંગ લાઇન સુધી પહોંચાડે છે. હવે તમારે ફાઇનલમાં પણ આવી જ રમત બતાવવી પડશે.
ટાઇટલ મેચમાં કોની સાથે ટક્કર ?
મહત્વનું છે કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પરંતુ તેઓ કઈ ટીમનો સામનો કરશે તે 5 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ દ્વારા નક્કી કરવામાં આવશે, જે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચતાની સાથે જ એવું પણ નક્કી થયું કે ટાઇટલ મેચ 9 માર્ચે દુબઈના મેદાન પર રમાશે.


