- અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં ભારતનો મોટો અપસેટ
- બાંગ્લાદેશે 8 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી હરાવ્યું
- ભારત માટે મુરૂગન અભિષેકે સૌથી વધુ રન બનાવ્યા
અંડર-19 એશિયા કપની સેમીફાઈનલમાં બાંગ્લાદેશે મોટો અપસેટ સર્જ્યો છે. બાંગ્લાદેશે જોરદાર પ્રદર્શન કર્યું અને 8 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો. બાંગ્લાદેશના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને સમગ્ર ભારતીય ટીમને માત્ર 188 રનમાં આઉટ કરી દીધી. બાંગ્લાદેશે 189 રનનો ટાર્ગેટ 42.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
ભારતીય બેટિંગ ઓર્ડર પત્તાની જેમ વિખેરાયો
એશિયા કપની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર પત્તાના પોટલાની જેમ તૂટી ગયો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બાંગ્લાદેશના બોલરો સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને આખી ટીમ 188 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટીમ માટે મુરૂગન અભિષેકે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા જ્યારે મુશીર ખાને 50 રનની ઇનિંગ રમી હતી. આ બે બેટ્સમેનોને બાદ કરતાં બાકીના બેટ્સમેનો પેવેલિયન પરત ફરવાની હોડમાં જોવા મળ્યા હતા. આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી બેટથી ખરાબ રીતે ફ્લોપ થયા. તે જ સમયે સુકાની ઉદય સહારન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
બોલિંગમાં બાંગ્લાદેશ તરફથી મારૂફ મૃદાએ શાનદાર બોલિંગ કરી અને ચાર વિકેટ લીધી. આ સાથે જ પરવેઝ રહેમાને 2 વિકેટ ઝડપી હતી. રોહનત દૌલાએ પણ બે વિકેટ પોતાના નામે કરી હતી.
અરીફુલ ઇસ્લામે જોરદાર ઇનિંગ રમી
189 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. ટીમે માત્ર 34ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી અરીફુલ ઈસ્લામે અહરાર અમીન સાથે મળીને ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી અને બાંગ્લાદેશને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો. અરિફુલે 90 બોલમાં 94 રનની જોરદાર ઇનિંગ રમી હતી જ્યારે અહરરે 44 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે 42.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


