ભારતીય ટીમ IPL 2025 પછી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટેસ્ટ ટીમના કવચ તરીકે ઓળખાતા વિરાટ કોહલી અને આર. અશ્વિન આ સિરીઝમાં ભાગ લેશે નહીં. કારણ કે બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
આ સિવાય રોહિત શર્માએ પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સિરીઝ માટે મોટાભાગે યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમને બિનઅનુભવી તરીકે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ભારત માટે 100 થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂકેલા ચેતેશ્વર પૂજારાએ ગૌતમ ગંભીરના ફોન કોલના સવાલ પર પોતાનું મૌન તોડ્યું છે.
હું તૈયાર છું – ચેતેશ્વર પૂજારા
રોહિત અને વિરાટની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાનો બેટિંગ વિભાગ બિનઅનુભવી બની ગયો છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન, પૂજારાને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવા માટે ફોન આવ્યો હતો. પૂજારાએ જવાબ આપ્યો, ના, હજુ સુધી નહીં. 103 ટેસ્ટ મેચ રમી ચૂકેલા આ અનુભવી ખેલાડીએ કહ્યું કે જો તેને તક મળે તો તે વાપસી કરવા માટે તૈયાર છે. હું તૈયાર છું.
ટીમનો ભાગ બનીને ખૂબ ખુશ થઈશ: ચેતેશ્વર પૂજારા
મને ખબર નથી કે તેઓ મને લઈ જશે કે નહીં. પણ જો મને તક મળશે, તો હા, ફરીથી દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત હશે. એક ક્રિકેટર તરીકે, તમને હંમેશા એવું લાગે છે કે જ્યાં સુધી તમે ફિટ છો, જ્યાં સુધી તમે યોગદાન આપી રહ્યા છો, અને જો મારું ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન છે, અને હું સારી તૈયારી કરી રહ્યો છું, જો મને તક મળે, તો હા, હું ટીમનો ભાગ બનીને ખૂબ ખુશ થઈશ.
પૂજારાએ 103 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, આ જમણા હાથના બેટ્સમેને 43.60 ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. 19 સદી સિવાય તેને 35 અડધી સદી પણ ફટકારી છે. પૂજારાને ભારતીય ટેસ્ટ ક્રિકેટનો ઢાલ માનવામાં આવે છે. પરંતુ તે હાલમાં ભારતીય ટેસ્ટ ટીમથી દૂર છે.


