- ઈંગ્લેન્ડનો સ્ટાર સ્પિન બોલર જેક લીચ થયો ઈજાગ્રસ્ત
- ઈજાના કારણે આગામી ત્રણ મેચમાં ટીમથી બહાર
- ઘૂંટણમાં ઈજાના કારણે મેચ રમી શકશે નહીં
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. પ્રથમ બે મેચ બાદ આ શ્રેણી 1-1થી બરાબર છે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને વિશાખાપટ્ટનમમાં જીત મેળવી હતી. હવે તમામની નજર ત્રીજી ટેસ્ટ જીતીને કઈ ટીમ લીડ મેળવશે તેના પર છે. પરંતુ આ મેચના થોડા દિવસો પહેલા જ ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં, ઈંગ્લેન્ડનો સ્ટાર સ્પિન બોલર જેક લીચ ઈજાના કારણે શ્રેણીની આગામી ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે.
પ્રથમ ટેસ્ટમાં ઈજા થઈ હતી
ઉલ્લેખનીય છે કે જેક લીચને આ સીરીઝની પ્રથમ મેચમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે આગામી મેચ રમી શક્યો ન હતો. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ ખેલાડી આગામી ત્રણ મેચ રમી શકશે નહીં. મેચ દરમિયાન પહેલી ટેસ્ટમાં લીચે બોલને રોકવા માટે મેદાનમાં ડાઈવ મારી હતી. ત્યારે તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી.
સ્થિતિમાં સુધારો થયો નથી
તેની સ્થિતિમાં સુધારો ન થવાને કારણે તેને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જેમાં ભારતે જીતીને શ્રેણીમાં બરોબરી કરી હતી. શરૂઆતમાં એવી આશા હતી કે શ્રેણીમાં 10-દિવસનો વિરામ લીચને સ્વસ્થ થવા માટે વધુ સમય આપશે, જોકે રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં તેના રમવા અંગે શંકા હતી. અબુ ધાબીમાં ચેકઅપ બાદ લીચે વધુ સારવાર માટે ઘરે પરત ફરવાનું નક્કી કર્યું છે અને છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમથી બહાર રહેશે. રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડની ટીમ લીચના સ્થાને કોઈપણ ખેલાડીને ભારત બોલાવવાની નથી. આવી સ્થિતિમાં આગામી મેચોમાં શોએબ બશીર, રેહાન અહેમદ અને ટોમ હાર્ટલી ઈંગ્લેન્ડની ટીમના સ્પિનરો હશે.


