વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ODI સિરીઝ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર જેમી ઓવરટન ઈજાને કારણે સમગ્ર ODI અને આગામી T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પુષ્ટિ આપી છે કે 29 મેના રોજ બર્મિંગહામમાં રમાયેલી પહેલી વનડે દરમિયાન ઓવરટનને જમણા હાથની નાની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. ભારત સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા સ્ટાર ખેલાડીની ઈજા ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે.
ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો
પહેલી વનડેમાં, ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડીઝને 238 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ મેચમાં જેમી ઓવરટને શાનદાર બોલિંગ કરી અને 5.2 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી. તેને પોતાના શોર્ટ બોલથી રોસ્ટન ચેઝ અને મેથ્યુ ફોર્ડને આઉટ કર્યા, જ્યારે તેને ગુડાકેશ મોતીને ધીમા બોલથી આઉટ કર્યો.
જેમી ઓવરટને શાનદાર બોલિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝના મિડલ ઓર્ડરને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધો. ઈજાગ્રસ્ત હોવા છતાં, જેમી ઓવરટન થોડા સમય માટે મેદાન પર રમવાનું ચાલુ રાખ્યું, પરંતુ પછીથી તેને બહાર જવું પડ્યું. ત્યારબાદ તે ઈંગ્લેન્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થશે.
કોઈ રિપ્લેસમેન્ટની નથી કરવામાં આવી જાહેરાત
ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં જેમી ઓવરટનના સ્થાને ટીમમાં કોઈ નવા ખેલાડીનો સમાવેશ કરશે નહીં. ટીમમાં પહેલાથી જ મેથ્યુ પોટ્સ અને ડાબોડી બોલર લ્યુક વુડ રિઝર્વ ફાસ્ટ બોલર તરીકે છે. સ્પિન વિભાગમાં ટોમ હાર્ટલીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જેના પર ટીમ વિચાર કરી શકે છે.
જેમી ઓવરટન તાજેતરમાં IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો, જ્યાં તેને ત્રણ મેચ રમી હતી પરંતુ માત્ર 6 ઓવર જ બોલિંગ કરી હતી. હવે તેનું કમબેક તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.


