ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની મોટી સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝની શરુઆત લીડ્સના હેડિંગ્લે મેદાન પર થશે. આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ યુવા બેટ્સમેન શુભમન ગિલના હાથમાં સોંપવામાં આવી છે.
જ્યારે ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી જસપ્રીત બુમરાહ સંભાળશે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં એક મોટો રેકોર્ડ તે પોતાને નામ કરવા જઈ રહ્યો છે.
SENA દેશોમાં નંબર-1 એશિયન બનવાની નજીક બુમરાહ
જસપ્રીત બુમરાહ હવે SENA (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે એશિયાઈ બોલર બનવાની નજીક પહોંચી ગયો છે. આ સમયે આ રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમના નામેં નોંધાયેલો છે.
વસીમ અકરમે SENA દેશોમાં 146 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહના ખાતામાં અત્યારે 145 વિકેટ છે. એટલે કે ઈંગ્લેન્ડ ટેસ્ટમાં માત્ર 2 વિકેટ લેતાં જ જસપ્રીત બુમરાહ ઈતિહાસ રચી દેશે અને SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયાઈ બોલર બની જશે. જસપ્રીત બુમરાહ SENA દેશોમાં 150 વિકેટ લેનાર પહેલો એશિયન બોલર બનવાની ખૂબ જ નજીક છે. આ માટે તેને 5 વિકેટ લેવાની જરૂર છે.
SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયાઈ બોલરનું લિસ્ટ
146 વિકેટ – વસીમ અકરમ
145 વિકેટ – જસપ્રીત બુમરાહ
141 વિકેટ – અનિલ કુંબલે
130 વિકેટ – ઈશાંત શર્મા
125 વિકેટ – મુથૈયા મુરલીધરન
જસપ્રીત બુમરાહનું શાનદાર ટેસ્ટ કરિયર
જસપ્રીત બુમરાહના ટેસ્ટ કરિયર પર નજર કરીયે તો જાન્યુઆરી 2018માં ડેબ્યૂ કર્યા બાદ તેને 45 ટેસ્ટ મેચની 86 ઈનિંગમાં 205 વિકેટ લીધી છે. આ દરમિયાન જસપ્રીત બુમરાહે 13 વાર એક ઈનિંગમાં પાંચ અથવા તેનાથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ઈંગ્લેન્ડમાં પણ તેની બોલિંગ શાનદાર રહી છે. ઈંગ્લેન્ડમાં ઘરમાં 9 ટેસ્ટ મેચ રમતાં તેને 37 વિકેટ લીધી છે. આ દરમિાન 2 વાર 5 વિકેટ લઈને પણ ધૂમ મચાવી છે.