- વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 106 રનથી હરાવ્યું
- આ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર કરી
- આ મેચમાં શુભમન ગિલ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચમાં ભારતે વિશાખાપટ્ટનમમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું. જો કે આ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તે બીજી ટેસ્ટના ચોથા દિવસે ફિલ્ડિંગ કરવા મેદાનમાં પણ આવ્યો ન હતો. શુભમન ગિલની આ ઈજા કેટલી ગંભીર છે? શું તે આ સિરીની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ જશે? આ તમામ મોટા સવાલોના જવાબ ગિલે પોતે આપ્યા છે.
શુભમને પોતે ઈજા અંગે અપડેટ આપી હતી
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી શુભમન ગિલ બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. જો કે, મેચમાં ભારતની જીત બાદ, ગિલે તેની ઈજા વિશે અપડેટ આપ્યું અને કહ્યું કે ‘તેણે તેનું સ્કેનિંગ કરાવ્યું છે અને ચિંતાની કોઈ વાત સામે આવી નથી. તે આગામી થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે.’ શુભમન ગિલની ઈજા ગંભીર ન હોવાને કારણે ભારતીય ટીમ માટે મોટી રાહત છે.
વાસ્તવમાં, બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે સોમવારે ભારતીય ટીમ મેનેજમેન્ટે એક નિવેદન જાહેર કર્યું હતું કે ‘મેચના બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે શુભમન ગિલની આંગળીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ચોથા દિવસે મેદાન પર જઈ શકશે નહીં.’ સરફરાઝ ખાન ચોથા દિવસે ગિલની જગ્યાએ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.
શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં તેણે 147 બોલમાં 11 ફોર અને 2 સિકસરની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી. શુભમનની આ ઇનિંગ એવા સમયે આવી જ્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. તેની ઇનિંગે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


