- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
- વિરાટે વનડે ક્રિકેટમાં ફટકારી 50 સદી
- વિરાટમા નાનપણના કોચે આપ્યું દિલ જીતનારૂં નિવેદન
વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી અને સદી ફટકારી છે. આ સદી સાથે વિરાટ કોહલીએ નવો ઈતિહાસ રચ્યો છે. વનડે ઈન્ટરનેશનલમાં વિરાટની આ 50મી સદી છે અને તેણે હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.
વનડેમાં 50 સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન કોહલી
કોહલી હવે વનડે ઈન્ટરનેશનલમાં 50 સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આખી દુનિયા હવે વિરાટને આ મોટી સિદ્ધિ માટે શુભેચ્છા પાઠવી રહી છે. વિરાટે આ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કર્યાલ બાદ તેના નાનપણના કોચ પણ ઘણા ખુશ દેખાતા હતા. આ મેચ જીતીને ભારતીય ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.
વિરાટે નાનપણના કોચનું દિલ જીત્યું
વિરાટની 50મી સદી પછી તેના નાનપણના કોચ રાજકુમારે કહ્યું કે, મારા માટે આનાથી સારું બીજું કંઈ નથી. બધા ખુશ છે, વિરાટના બધા ફેન્સ ખુશ છે. એક કોચ તરીકે મારા માટે વિરાટે તેની 50મી વનડે સદી ફટકારી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તેનાથી મોટી કોઈ ક્ષણ ન હોઈ શકે. આ એક મોટી ઉપલબ્ધિ છે અને હું તેના માટે ખુશ છું. હું આશા રાખું છું કે તે આ રીતે તેનું ફોર્મ ચાલુ રાખશે.
ભારતે બનાવ્યા 397 રન
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા. ભારત તરફથી બેટિંગ કરતા વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી હતી. વિરાટે 117 રનની ઈનિંગ રમી હતી, જ્યારે અય્યરે 105 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત શુભમન ગિલે 80 રન, રોહિત શર્માએ 47 રન અને કેએલ રાહુલે 39 રનની અણનમ ઈનિંગ રમી હતી. હવે આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમને 398 રનનો ટાર્ગેટ મળ્યો છે. જે આટલો સરળ નથી. ન્યૂઝીલેન્ડ માટે બોલિંગ કરતી વખતે ટિમ સાઉથીએ સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી હતી.


