- વર્લ્ડકપની તમામ લીગ મેચ થઈ પૂર્ણ
- આવતીકાલથી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ શરૂ થશે
- વાનખેડેમાં બંને ટીમ છેલ્લે 2011માં આવી હતી આમને-સામને
ભારતીય ક્રિકેટ ટીમ શાનથી આ વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોંચી છે. હવે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો મુંબઈના ઐતિહાસિક મેદાન વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેદાન સાથે ભારતીય ટીમની કેટલીક ખાસ યાદો જોડાયેલી છે. આ મેદાન પર જ ટીમ ઈન્ડિયાએ 2011 વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચ શ્રીલંકા સામે જીતી હતી. જો કે, આ જ મેદાન પર 2016 T20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર થઈ હતી.
મુંબઈના શાનદાર મેદાનમાં રમાશે મેચ
આ વખતે મુંબઈના આ શાનદાર મેદાન પર ટીમ ઈન્ડિયાની મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. આવી સ્થિતિમાં ઘણા ક્રિકેટ ફેન્સના મનમાં પ્રશ્ન છે કે, શું આ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે કોઈ વનડે મેચ રમાઈ છે. જો મેચ થઈ છે તો, તેનું પરિણામ શું આવ્યું હતું?
વાનખેડેમાં છેલ્લે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્યારે રમાઈ હતી મેચ?
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માત્ર એક જ વનડે મેચ રમાઈ હતી. જે 2017માં ત્રણ મેચની સીરિઝની પ્રથમ મેચ હતી. તે મેચ વિરાટ કોહલીની 200મી વનડે મેચ પણ હતી અને તે મેચમાં કેપ્ટન કોહલીએ તેની 31મી વનડે સદી પણ ફટકારી હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના ઓપનર બોલર ટ્રેન્ટ બોલ્ટે ભારતીય ઓપનર શિખર ધવનને 9 અને રોહિત શર્માને 20 રને આઉટ કર્યો હતો. આ બંને ખેલાડી પ્રથમ 6 ઓવરમાં જ આઉટ થયા હતા. જે બાદ ત્રીજા નંબર પર કેપ્ટન કોહલીએ કમાન સંભાળી હતી, પરંતુ ચોથા નંબર પર આવેલો કેદાર જાધવ 25 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો અને ટીમ ઈન્ડિયાએ 71 રનમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ દિનેશ કાર્તિક બેટિંગ કરવા આવ્યો અને કોહલી સાથે 73 રનની પાર્ટનરશિપ કરી હતી.
કોહલીએ બનાવ્યા હતા 121 રન
કાર્તિક 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની નંબર-6 પર બેટિંગ કરવા આવ્યો હતો. ધોનીએ 25, હાર્દિક પંડ્યાએ 16, ભુવનેશ્વર કુમારે 26 રન કર્યા હતા. વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી હતો જેણે 125 બોલમાં 121 રનની ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 280 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
ન્યૂઝીલેન્ડની 6 વિકેટે જીત
આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 49 ઓવરમાં 4 વિકેટના નુકસાને 284 રન બનાવ્યા હતા અને મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ માટે ટોમ લાથમે 103 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત પૂર્વ બેટ્સમેન રોસ ટેલરે પણ 95 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ 2 બેટ્સમેનના કારણે ન્યૂઝીલેન્ડની જીત થઈ હતી.


