- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ રદ
- ડરબનમાં કિંગ્સમીડમાં રમાનારી મેચ વરસાદના કારણે રદ
- ભારત આફ્રિકા સામે બીજી T20 મેચ 12 ડિસેમ્બરે રમશે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડરબનમાં રમનારી પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. પ્રથમ T20 રદ્દ થવું ભારત માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે કારણ કે હવે ભારતીય ટીમ પાસે 2024માં રમાનાર T20 વર્લ્ડ કપ પહેલા માત્ર 5 T20 મેચ બાકી છે. વર્લ્ડ કપ 2024 પહેલા સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા ભારતને 6 T20 મેચ રમવાની હતી. જેમાંથી વરસાદના કારણે એક મેચ રદ કરવામાં આવી છે.
પ્રથમ T20 વરસાદને કારણે રદ્દ કરવામાં આવી
આફ્રિકા પ્રવાસ પછી, ટીમ ઈન્ડિયા જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 ઘરેલું સિરીઝ રમશે, જે 2024 T20 વર્લ્ડ કપ પહેલા ફોર્મેટમાં તેની છેલ્લી સિરીઝ હશે. વર્લ્ડ કપ પહેલા T20 ફોર્મેટમાં ઓછી મેચ રમવી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ બની શકે છે. તાજેતરમાં, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કોઈપણ કિંમતે T20 વર્લ્ડ કપ જીતવા ઈચ્છશે.
IPLભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં, જેના માટે તૈયારી સૌથી મહત્વપૂર્ણ રહેશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આગામી પાંચ મેચ સંપૂર્ણ રીતે રમવા માંગશે. જોકે, વર્લ્ડ કપ પહેલા IPL 2024 રમાશે, જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે રમશે. T20 ફોર્મેટમાં રમાતી IPL પણ ભારતીય ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારતની સેમિફાઈનલમાં હાર
ટીમ ઈન્ડિયા 2022માં રમાયેલી T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારી ગઈ હતી. આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા કોઈ ભૂલ કરવા માંગશે નહીં. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ છેલ્લી આઈસીસી ટ્રોફી 2013માં જીતી હતી.


