- ભારતે સાઉથ આફ્રિકાને તેના ઘરઆંગણે સિરીઝ હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ યજમાન સાઉથ આફ્રિકાને 2-1થી હરાવ્યું
- સંજુ સેમસને ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
ભારતે સાઉથ આફ્રિકાને તેની ઘરઆંગણે વનડે સિરીઝમાં બીજી વખત હરાવ્યું છે. કેએલ રાહુલની કપ્તાનીમાં વનડે સિરીઝ રમવા ગયેલી ટીમ ઈન્ડિયાએ યજમાન સાઉથ આફ્રિકાને 2-1થી હરાવ્યું છે. આ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ પાર્લમાં રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસને પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી અને પોતાની ટીમને જીત તરફ દોરી ગઈ હતી.
સંજુ સેમસને શાનદાર સદી ફટકારી
સંજુ સેમસનની આ સદી ખાસ હતી કારણ કે જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સંજુએ તિલક વર્મા સાથે 116 રનની પાર્ટનરશિપ કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. સંજુની સદીના કારણે ટીમ ઈન્ડિયાએ વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતે સાઉથ આફ્રિકાને 78 રને હરાવીને 2-1થી સિરીઝ કબજે કરી હતી.
કેએલ રાહુલે શું કહ્યું?
ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું, “વર્લ્ડ કપમાં નિરાશાનો સામનો કર્યા બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરવું સારું લાગે છે. અમે IPLમાં આ તમામ યુવા ખેલાડીઓ સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. પરતું દેશ માટે તેમની સાથે રમવું ઘણુ જ સારુ લાગે છે. હું તેમને એક જ વસ્તુ કહું છું કે માત્ર રમતનો આનંદ માણો, અને તમારું શ્રેષ્ઠ આપો, અન્ય કંઈપણ વિશે વિચારશો નહીં.”
સંજુને કમનસીબે વધારે તકો ન મળી
કેએલ રાહુલે આગળ કહ્યું, “આ બધા પ્રતિભાશાળી ક્રિકેટરો છે, પરંતુ કેટલાક ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી, તેથી તેમને સેટ થવામાં થોડો સમય લાગે છે. દરેકની ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ, અને તેઓએ પોતાનું 100 ટકા આપવું જોઈએ.” આ સિવાય કેએલ રાહુલે સંજુ સેમસન વિશે વાત કરતા કહ્યું કે, “સંજુએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, કમનસીબે તેને વિવિધ કારણોસર ટોપ ઓર્ડરમાં વધારે તકો મળી ન હતી, પરંતુ આજે તેને સારું પ્રદર્શન કરતા જોઈને સારું લાગ્યું. “


