- કુલદિપ યાદવે તેના જન્મદિવસ પર કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
- કુલદિપે યાદવે તેના જન્મદિવસ પર 5 વિકેટ ઝડપી
- T20 ક્રિકેટ ઇતિહાસમાં આ જન્મદિવસ પર શ્રેષ્ઠ પ્રદર્શન
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચમાં શાનદાર જીત નોંધાવી અને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. આ મેચનો પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવ હતો, જેણે શાનદાર સદીની મદદથી પોતાની ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો હતો. જો કે, જ્યારે બોલિંગની વાત આવે તો બર્થડે બોય કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
T20 ક્રિકેટમાં જન્મદિવસ પર શ્રેષ્ઠ પ્રદર્શન
આ મેચ બાદ કુલદીપ યાદવ એવો બોલર બની ગયો છે જેણે પોતાના જન્મદિવસ પર પુરૂષ T20 ક્રિકેટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી. આ મેચમાં ભારતના આ લેફ્ટ આર્મ સ્પિન બોલરે માત્ર 2.5 ઓવર ફેંકીને કુલ 17 રન આપ્યા અને યજમાન ટીમના 5 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલી દીધા હતા. T20 ક્રિકેટમાં બર્થડે બોય દ્વારા 17 રનમાં 5 વિકેટ લેવી એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કુલદીપ યાદવ બાદ આ લિસ્ટમાં શ્રીલંકાના વાનિન્દુ હસરંગાનું નામ આવે છે, જેણે 2021માં પોતાના જન્મદિવસ પર કોલંબોના મેદાન પર ભારત વિરુદ્ધ ટી20 મેચમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ યાદીમાં ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકાના પૂર્વ સ્પિન બોલર ઈમરાન તાહિરનું નામ સામેલ છે. ઈમરાન તાહિરે 2014માં પોતાના જન્મદિવસ પર નેધરલેન્ડ સામે ચટગાંવના મેદાનમાં રમાયેલી T20 મેચમાં 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેથી, આ ત્રણ બોલિંગ પ્રદર્શન T20 ક્રિકેટમાં જન્મદિવસ પર શ્રેષ્ઠ પ્રદર્શન છે.
યુવરાજ અને જાડેજાએ પણ સારું પ્રદર્શન કર્યું
ભારતીય બોલરોની વાત કરીએ તો કુલદીપ યાદવ સિવાય યુવરાજ સિંહ અને રવિન્દ્ર જાડેજાએ પણ પોતપોતાના જન્મદિવસે T20 મેચ રમી છે અને તેમાં સારું પ્રદર્શન કર્યું છે. સૌથી પહેલા યુવરાજ સિંહે 2009માં મોહાલીમાં શ્રીલંકા સામેની મેચમાં પોતાના જન્મદિવસ પર 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના સિવાય રવિન્દ્ર જાડેજાએ 2020માં હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચમાં તેના જન્મદિવસ પર 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા આ ત્રણ ભારતીય બોલરોમાં બે બાબતો સમાન છે. ત્રણેય ડાબા હાથના સ્પિન બોલર છે અને દરેકનો જન્મદિવસ ડિસેમ્બરમાં આવે છે.


