- ભારતીય ટીમ ઓછામાં ઓછા 250 રન બનાવશે તેવી આશા હતી
- ભારતીય ટીમ 153 રન પર જ ઓલ આઉટ
- દક્ષિણ આફ્રિકાએ માત્ર 55 રન બનાવ્યા હતા
કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 24મી ઓવરમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જે બાદ ભારતીય ટીમ પણ 35મી ઓવરમાં પડી ભાંગી હતી. યજમાન દક્ષિણ આફ્રિકાએ માત્ર 55 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 153 રન પર જ સિમિત રહી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. પરંતુ ખાસ વાત એ હતી કે માત્ર 59 ઓવરની રમતમાં 20 વિકેટ પડી ગઈ હતી. ભારતે તેની છેલ્લી 6 વિકેટ માત્ર 0 રનમાં ગુમાવી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે.
ટીમ 11 બોલમાં ઓલઆઉટ
ભારતીય ટીમનો સ્કોર 33 ઓવર સુધી 4 વિકેટે 153 રન હતો. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર રહ્યા હતા. એવી આશા હતી કે ભારતીય ટીમ ઓછામાં ઓછો 250 રન બનાવશે. પરંતુ અહીંથી જે બન્યું તેના પર કદાચ કોઈ વિશ્વાસ કરશે નહીં. ભારતીય ટીમનો સ્કોર 153થી આગળ ન વધી શક્યો અને આખી ટીમ એ જ સ્કોર પર સમેટાઈ ગઈ. છેલ્લી 6 વિકેટ 11 બોલમાં પડી હતી.
ભારતે 98 રનની લીડ બનાવી
આ રીતે ભારતે 98 રનની લીડ બનાવી લીધી હતી અને જ્યારે બંને ટીમોની પ્રથમ ઇનિંગ્સનો અંત આવ્યો ત્યારે 60 ઓવર પણ પુરી થઇ ન હતી. થોડા જ કલાકોમાં ફરી એકવાર ભારતીય બોલરો મેદાનમાં આવ્યા. લુંગી એનગિડીએ 34મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જે બાદ રબાડાની 35મી ઓવરમાં માત્ર પાંચ બોલમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમનો દાવ થોડી જ વારમાં સમેટાઈ ગયો. વિરાટ કોહલી 46 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો.
છેલ્લી વખત આવું 2014માં થયું હતું
આ ઇનિંગમાં ભારતના છ ખેલાડીઓ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. છેલ્લી વખત આવું 2014માં ઈંગ્લેન્ડ સામે થયું હતું જ્યારે ભારતના છ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના આ ઇનિંગમાં પોતાનું ખાતું ખોલાવી શક્યા ન હતા.


