- ભારતીય ટીમે 3 મેચની વનડે સિરીઝ 2-1થી જીતી
- બીજી વખત આફ્રિકાને તેના ઘરઆંગણે સિરીઝ હરાવી
- ભારતે 2018માં આફ્રિકાને ODI સિરીઝમાં 5-1થી હરાવ્યું
કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી પછી, કેએલ રાહુલ આફ્રિકામાં વનડે સિરીઝમાં સાઉથ આફ્રિકાને હરાવનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. આ પહેલા વિરાટ કોહલીએ 2018માં આ કારનામું કર્યું હતું. હવે કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે 3 મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી છે.
2018માં, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ આફ્રિકાની ધરતી પર 6 મેચની ODI સિરીઝમાં આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું. 1992 થી અત્યાર સુધી, ભારતીય ટીમે આફ્રિકા સામે તેમની પોતાની ધરતી પર કુલ 7 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે, જેમાં તે માત્ર બે વખત જીતી શકી છે. પહેલી જીત કોહલીની કેપ્ટનશીપમાં અને હવે બીજી જીત રાહુલની કેપ્ટનશીપમાં મળી હતી.
આફ્રિકામાં ભારત-સાઉથ આફ્રિકા દ્વિપક્ષીય ODI સિરીઝના પરિણામો
- 1992/93- સાઉથ આફ્રિકા 5-2થી જીત્યું
- 2006/07- સાઉથ આફ્રિકા 4-0થી જીત્યું
- 2010/11- સાઉથ આફ્રિકા 3-2થી જીત્યું
- 2013/14- સાઉથ આફ્રિકા 2-0થી જીત્યું
- 2017/18- ભારત 5-1થી જીત્યું
- 2021/22- સાઉથ આફ્રિકા 3-0થી જીત્યું
- 2023/24- ભારત 2-1થી જીત્યું.
સંજુ સેમસને ત્રીજી વનડેમાં સદી ફટકારી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ODIમાં સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા હતા જેમાં સંજુ સેમસને 114 બોલમાં 6 ફોર અને 3 સિકસની મદદથી 108 રન બનાવ્યા હતા. આ સિવાય તિલક વર્માએ 52 રનની ઇનિંગ રમી જેમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ટોની ડી જ્યોર્જીએ સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. ડી જોર્ઝીએ 87 બોલમાં 81 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. જોકે, જોર્ઝીની આ ઇનિંગ ટીમને જીતાડી શકી નહતી.


