- દક્ષિણ આફ્રિકાના 6 બેટ્સમેનોને આઉટ કરીને સિરાજે રચ્યો ઈતિહાસ
- દક્ષિણ આફ્રિકામાં એક ઇનિંગમાં 6થી વધુ વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બન્યો
- આ પહેલા સિરાજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 60 રનમાં પાંચ વિકેટ હતું
કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ મોહમ્મદ સિરાજનો શિકાર કર્યો હતો. મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં દક્ષિણ આફ્રિકાની ટીમના 5 બેટ્સમેનોને આઉટ કરીને ઈતિહાસ રચ્યો છે. દક્ષિણ આફ્રિકા માત્ર 23.3 ઓવરમાં 55 રનમાં ઓલ આઉટ થઇ ગયું છે. મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહ – મુકેશ કુમારને 2 – 2 સફળતા મળી છે.
સિરાજે આફ્રિકામાં કર્યો કમાલ
તેણે 16મી ઓવરમાં જ પાંચ વિકેટ પૂરી કરી અને દક્ષિણ આફ્રિકાનો સ્કોર 34 રનમાં 6 વિકેટ ખેરવી દીધી હતી. આ પછી તેણે કાયલ વેરનને આઉટ કરીને છઠ્ઠી વિકેટ પોતાના નામે કરી હતી. સિરાજ આ પહેલા ક્યારેય ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 6 વિકેટ લઈ શક્યો નથી. તે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચની એક ઇનિંગમાં છ કે તેથી વધુ વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બન્યો છે. તેના પહેલા હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિને બે વખત 7-7 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે પણ પોતાના નામે 7 વિકેટ કરી ચૂક્યો છે.
મોહમ્મદ સિરાજની સામે પ્રોટીઝ ઢેર
ટેસ્ટ ક્રિકેટમાં મોહમ્મદ સિરાજની આ ત્રીજી પાંચ વિકેટ હતી. આ પહેલા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 60 રનમાં પાંચ વિકેટ હતું. અહીં તેણે માત્ર 9 રન આપીને પોતાની સિદ્ધિ પૂરી કરી. યજમાન ટીમના બેટ્સમેનો સિરાજ સામે ટકી શક્યા ન હતા. તેણે એડન માર્કરામ, કેપ્ટન ડીન એલ્ગર, ટોની ડી જ્યોર્જી, ડેવિડ બેડિંગહામ અને માર્કો જેન્સનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
હારનો બદલો લેવા ઉતરી ભારતીય ટીમ
ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 0-1થી પાછળ છે. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં ટીમ ઈન્ડિયા બે ફેરફાર સાથે મેદાનમાં આવી. રવિચંદ્રન અશ્વિન આઉટ થયો હતો અને રવિન્દ્ર જાડેજા પાછો ફર્યો હતો. આ સિવાય શાર્દુલ ઠાકુરને બહાર કરીને મુકેશ કુમારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય ટીમની સામે દક્ષિણ આફ્રિકાની આ સૌથી ખરાબ સ્થિતિ છે. આ પહેલા આફ્રિકાનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર ભારત સામે 2015માં નાગપુર ટેસ્ટમાં આવ્યો હતો. ત્યારબાદ આફ્રિકા 79 રનમાં સમેટાઈ ગયું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકામાં 2006માં જોહાનિસબર્ગમાં ભારત સામે યજમાન ટીમ 84 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


