- સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમની શાનદાર જીત
- ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત
- સાઉથ આફ્રિકાના કોચે કહ્યું કે પિચનો વાંક નથી
વર્લ્ડકપમાં રવિવારે ભારતીય ટીમે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઐતિહાસિહક જીત મેળવી છે. આ મેચ પહેલાં માનવામાં આવતું હતું કે, સાઉથ આફ્રિકાની ટીમ ભારતને ટક્કર આપશે, પરંતુ એવું થયું નહીં. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયાએ ટેમ્બા બાવુમાની ટીમને 243 રને માત આપી છે. સાઉથ આફ્રિકાની આ હાર બાદ ઈડન ગાર્ડન્સની પિચને લઈ સવાલ ઉઠી રહ્યા હતા. જો કે, આ તમામ વચ્ચે હેડ કોચ રોબ વાલ્ટરે સાઉથ આફ્રિકાની હારનું મુખ્ય કારણ જણાવ્યું છે.
સાઉથ આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ
ભારત વિરુદ્ધ વર્લ્ડકપના લીગ મેચમાં પોતાની ટીમ 83 રન પર ઓલઆઉટ થવા છતાં સાઉથ આફ્રિકાના કોચ રોબ વોલ્ટરે પિચ પર હારનું ઠીકરૂં ફોડવાને બદલે કહ્યું કે, આ 326 રન વાળી પિચ નહતી, બોલર્સે 70થી 80 રન વધુ આપ્યા છે. ભારતના 5 વિકેટ પર 326 રનના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 83 રન પર આઉટ થઈ છે. જેનાથી ભારતને 243 રને જીત મેળવી છે.
સાઉથ આફ્રિકાના કોચે શું કહ્યું?
મેચ બાદ કોચ રોબ વોલ્ટરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પિચને દોષ આપવો યોગ્ય નથી. આ પિચ પર એક ટીમના 326 રન બન્યા અને બીજી ટીમ 100 રન પણ બનાવી શકી નહીં. આવી સ્થિતિમાં પિચને દોષ આપવો એ યોગ્ય નથી. એવું જરૂર કહી શકીએ આ 320 રન વાળી પિચ નગતી. અમે 70થી 80 રન વધુ આપ્યા છે. જેની સાથે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.
સાઉથ આફ્રિકાના ખેલાડીઓ રોમાંચિત
તેમણે ઈડન ગાર્ડન્સ પર અંદાજે 65 હજાર દર્શકો સામે વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ રમવાને પોતાની ટીમ માટે શાનદાર તક જણાવી છે. વોલ્ટરે કહ્યું કે, એવી તક વારંવાર મળે નહીં. અમે દર્શકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ રમી રહ્યા હતા. અમારા તમામ ખેલાડીઓ આ મેચને લઈ રોમાંચિત હતા.