- ભારતે દક્ષિણ આફ્રિકાને 202 રનનું આપ્યું લક્ષ્ય
- અમ્પાયરે ડેવિડ મિલરને નોટઆઉટ આપ્યો
- ભારતે ત્રીજી T20 મેચ 106 રને જીતી
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ 106 રને જીતી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી. ટી-20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવની આ ચોથી સદી હતી. સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકામાં આ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
ભારતને મળી મોટી જીત
દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે 202 રન બનાવવાના હતા. પરંતુ કુલદીપ યાદવની શાનદાર બોલિંગને કારણે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 95 રનમાં સમેટી દીધી હતી. આ મેચમાં કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે ટી-20 સિરીઝનો અંત 1-1થી ડ્રો કરી હતી. હવે બંને ટીમો વચ્ચે 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.
ડેવિડ મિલર રહ્યો નસીબદાર
આ મેચ દરમિયાન વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર ખૂબ જ નસીબદાર રહ્યો હતો. ડેવિડ મિલરે મેચની આઠમી ઓવરમાં રવિન્દ્ર જાડેજા સામે બે સિક્સર ફટકારી હતી. આ પછી જાડેજાનો એક બોલ ઓફ સ્ટમ્પની બહાર ગયો અને વિકેટ કીપર જીતેશ શર્માના હાથમાં ગયો. જાડેજાએ અમ્પાયરને કેચ આઉટ થવા માટે જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે ડેવિડ મિલરને નોટઆઉટ જાહેર કર્યો હતો. ટેકનિકલ ખામીના કારણે DRS ઉપલબ્ધ ન હોવાથી અને અમ્પાયરની ચુકના કરાણે મિલર આઉટ હોવા છતાં પણ નોટ આઉટ રહ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની હાર
ભારતીય ટીમ પાસે આ સમયે બે DRS બાકી હતા. પરંતુ થોડા સમય પહેલા અમ્પાયરે બંને ટીમોને કહ્યું હતું કે ખામીને કારણે આ સમયે DRS ઉપલબ્ધ નથી. બાદમાં રિપ્લે જોયા બાદ જાણવા મળ્યું કે બોલ ડેવિડ મિલરના બેટ સાથે અથડાયો હતો અને વિકેટકીપર જીતેશ શર્માના હાથમાં ગયો હતો. આ રીતે આઉટ થયા બાદ પણ ડેવિડ મિલર મેદાન પર જ રહ્યો અને દક્ષિણ આફ્રિકા માટે રન બનાવતો રહ્યો. જોકે, તે પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમને T-20 ફોર્મેટમાં ભારત સામે તેની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.


