- વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જીતી મેળવી હતી
- રાજીનામાં બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા
- ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉતરાયણ બાદ આપી શકે છે રાજીનામું
લોકસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યોની જોડતોડ ચાલી રહી છે. જેમાં હવે વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. આ માટે નવા નિયમોનુસાર ભાજપામાં ધારાસભ્ય તરીકે જઇ શકે તેમ નથી. આથી તેઓ ગમે ઘડીએ વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામાની જાહેરાત કરી શકે એવી માહિતી સામે આવી રહી છે.
હાલમાં આવી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્યોને ભાજપમાં લાવવા માટે કવાયત પણ શરૂ કરી દીધી છે
ભાજપ દ્વારા વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ફરી પોતાના તરફ વાળી લીધા છે. જેની સાથે જ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગમે ત્યારે વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામુ આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આજે તેઓએ વડોદરા નજીક એક ફાર્મ હાઉસમાં પોતાના ટેકેદારો-કાર્યકરો સાથે બેઠક પણ કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ બેઠકમાં તેમના ટેકેદારો-કાર્યકરોએ પણ પોતાના ધારાસભ્યને ભાજપામાં જવા માટેની લીલી ઝંડી આપી દીધી હોવાનું પણ કહેવાય છે.
આ અગાઉ વાઘોડિયા બેઠક ઉપરથી એકથી વધુ વખત ભાજપાની ટિકીટ ઉપર ચૂંટાઇ આવેલા માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં કોંગ્રેસમાં જવાના સંકેત આપ્યા હતા. વાઘોડિયા બેઠક ઉપર આગામી આવી રહેલી લોકસભાની સાથે સંભવતઃ આવનાર પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી ભાજપામાંથી સંભવતઃ ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ચૂંટણી મેદાનમાં ઉતરે તો નવાઇ નહિં. માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસની ટિકીટ ઉપર વાઘોડિયા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો પણ સંપર્ક કર્યો હતો.


