- પાંચ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનવાના માર્ગે આગેકૂચ
- ભારતીય ઈકોનોમીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
- આધુનિક ટેકનોલોજીને કારણે આર્થિક વિકાસ શક્ય બન્યો છે
ભારતની GDPએ પહેલીવાર 4 ટ્રિલિયન ડૉલરનાં મેજિક આંકડાને પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે હવે વિશ્વમાં ચોથા ક્રમની મજબૂત ઈકોનોમી તરીકે સ્થાન મેળવ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નાં આંકડાઓ મુજબ ભારતે 19 નવેમ્બરે આ સિદ્ધિ નોંધાવી હતી. તેણે યુકે અને જર્મનીને પછાડીને જીડીપીનાં સંદર્ભમાં ચોથો ક્રમ મેળવ્યો છે. ભારત 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનવાનાં તેનાં લક્ષ્યાંકની વધુ નજીક પહોંચી ગયું છે અને ત્રીજી મોટી ઈકોનોમી બનવા તરફ આગેકૂચ કરી છે. આર્થિક પૂર્વાનુમાન એવી સર્વસંમતિ દર્શાવે છે કે બીજા ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ RBI નાં અંદાજ મુજબ 6.5 ટકા કરતા વધુ રહેશે. RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભારતની ઈકોનોમી ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા 3 મહિનામાં 7.8 ટકાનાં દરે વિકાસ પામી હતી અને ઈકોનોમી વિકાસનાં સંદર્ભમાં હરણફાળ ભરી હતી. જે રીતે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓએ વેગ પકડયો છે તેને ધ્યાનમાં લઈએ તો નવેમ્બરનાં અંતમાં બીજા ક્વાર્ટર માટે GDPનાં જાહેર થનારાઆંકડા પ્રોત્સાહક રહેશે. કંપનીઓનાં સપ્ટેમ્બર ક્વાર્ટરનાં જાહેર થયેલા પરિણામોને આધારે ભારતનો વાસ્તવિક GDP ગ્રોથ 6.5 ટકા કરતા વધુ ઊંચો રહી શકે છે. ભારત હાલ વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી ઈકોનોમી છે. પહેલા ક્રમ પર અમેરિકા, બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે જર્મની અને ચોથા ક્રમે જાપાન છે.
અનોખું સીમાચિહ્ન હાંસલ કર્યું
નાઈટ ફ્રેંક ઈન્ડિયાનાં નેશનલ ડિરેકટર વિવેક રાઠીએ જણાવ્યું હતું કે ભારત 4 ટ્રિલિયન ડૉલરની GDP નું અનોખું સીમાચિહ્ન હાંસલ કરીને એક આર્થિક શક્તિ તરીકે વિશ્વમાં ઊભરી આવ્યું છે. દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને કારણે દેશમાં લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે અને ગરીબી ઘટાડવાનો માર્ગ ખૂલ્યો છે. ભારતનો આર્થિક વિકાસ તેની સ્થિતિસ્થાપકતા તેમજ વચનોનાં પાલનને આભારી છે. દેશમાં ડિજિટલ સેકટરમાં પરિવર્તનને અપનાવવામાં આવ્યું છે. નાણાકીય તેમજ સમાવેશી આર્થિક વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. વહીવટમાં પારદર્શકતા અપનાવાઈ છે. મહિલા સશક્તીકરણને વેગ આપવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીને કારણે આર્થિક વિકાસ શક્ય બન્યો છે.
આગામી બે વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનશે
અદાણી ગ્રૂપનાં વડા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે દેશ આગામી બે વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનશે. જાપાનની 4.4 ટ્રિલિયન ડૉલરની અને જર્મનીની 4.3 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીને પાર કરીને ભારત આ સિદ્ધિ હાંસલ કરશે. ભારતનો ત્રિરંગો આર્થિક વિકાસનાં સંદર્ભમાં લહેરાતો રહેશે તેમ અદાણીએ X પર ટ્વિટ કર્યું હતું.
જોકે સતાવાર રીતે કોઈ ટિપ્પણી જાહેર થઈ નથી
ભારત ચાર લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બની ગયું તેવું સોશિયલ મિડીયા પર વાઈરલ થયું હતું. નાણામંત્રાલય કે ગ્દર્જીં દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી જાહેર કરાઈ નથી. IMFના ડેટાના આધારે સોશિયલ મિડીયા પર ભારતીય અર્થતંત્રના આંકડા ફરતા થયા હતા. આ અંગે કોઈ સત્તાવાર સમર્થન ન હતું.
અનિશ્ચિતતાની ઈકોનોમી પર ઓછી અસર
એસએન્ડપી ગ્લોબલ રેટિંગે જણાવ્યું હતું કે ભારતનો ઈકોનોમિક ગ્રોથ મધ્યમ ગાળામાં મજબૂત રહેશે અને નાણાકીય વર્ષ 2024-2026માં GDP ગ્રોથ વાર્ષિક ધોરણે 6થી 7.1 ટકાની આસપાસ રહેશે. વિશ્વ સ્તરે હાલ જે અનિશ્ચિતતાઓ ચાલી રહી છે તેની ભારતની ઈકોનોમી પર ઓછી અસર પડશે. આર્થિક વિકાસની ગતિ ચાલુ રહેશે.
સરકારનો રોડ મેપ
ભારતનાં રાજ્યકક્ષાનાં નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ કહ્યું હતું કે સરકાર દ્વારા ભારતને 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવા માટે રોડમેપ ઘડવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સમાવેશી વિકાસ પર ભાર મુકાયો છે. ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા, ફિનટેક તેમજ ટેકનોલોજી આધારિત વિકાસ સાધવા, એનર્જી ટ્રાન્ઝિશન તેમજ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા પગલાં લેવાનો તેમજ ઈન્ફ્રા ક્ષેત્રે રોકાણ વધારવાનો સમાવેશ થાય છે.