- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા
- ગુજરાતમાં ભારતની બીજી એફ-1 સરકિટ તૈયાર થાય તેવી સંભાવના છે
- ભારતમાં છેલ્લે 2023માં મોટો-જીપીના સ્વરૂપે છેલ્લી ઇન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સનું આયોજન થયું હતું
મોટર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફોર્મ્યુલા-વન રેસિંગ માટેની એફ-1 સરકિટના માસ્ટર પ્લાન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે જેના કારણે ગુજરાતમાં ભારતની બીજી એફ-1 સરકિટ તૈયાર થાય તેવી સંભાવના છે. ગિફ્ટ સિટીમાં વિદેશી ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરીને ભારતના ઇન્ટરનેશનલ આર્થિક સંબંધો પણ વધારે મજબૂત બનશે. ભારત અને ગુજરાત સરકારની સાથે ઇન્ટરનેશનલ મોટરસ્પોર્ટ્સ ભારતમાં વધી રહેલા એફ-1ના સમર્થકોની સંખ્યાનો પણ ફાયદો ઉઠાવવા માગશે. ભારતમાં બુદ્ધ ઇન્ટરનેશનલ સરકિટ દેશનું એકમાત્ર સ્થળ એવું છે જે અત્યાધુનિક મોટર સ્પોર્ટ્સનું આયોજન કરવા માટે સક્ષમ છે. ભારત સરકાર 2036માં ઓલિમ્પિકની યજમાની મળે તેવા પ્રયાસ કરી રહી છે ત્યારે એફ-1નું ગુજરાતમાં આગમન મહત્ત્વપૂર્ણ પગલું પણ પૂરવાર થશે તેમાં કોઇ શંકા નથી. નોંધનીય છે કે 2011માં બુદ્ધ ગ્રાન્ડ પ્રિક્સ ખાતે પ્રથમ એફ-1 રેસ યોજાઇ હતી. ત્યારબાદ કેટલાક વિવાદના કારણે 2014માં ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સને સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતમાં છેલ્લે 2023માં મોટો-જીપીના સ્વરૂપે છેલ્લી ઇન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સનું આયોજન થયું હતું. ગિફ્ટ સિટી ખાતેની પ્રસ્તાવિત એફ-1 સરકિટ માટે કોઇ બજેટ તથા કેટલા સમયમાં ટ્રેક તૈયાર થશે તેવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.


