- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- યુદ્ધના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી
- માનવતાવાદી કાયદાનું પાલન કરવા ભારતની અપીલ
ગત મહિનાથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે ગુરુવારે ફરી એકવાર તણાવ ઓછો કરવા અપીલ કરી હતી. યુદ્ધના કારણે સામાન્ય નાગરિકોની વધતી જતી જાનહાનિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત પેલેસ્ટિનિયન લોકોને વધુ માનવતાવાદી સહાય મોકલવા પર વિચાર કરી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલના શહેરો પર અભૂતપૂર્વ હુમલા બાદ ઇઝરાયેલ ગાઝામાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી ચલાવી રહ્યું છે.
ગાઝા સિટીની અલ-શિફા હોસ્પિટલમાં ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અંગે નવી દિલ્હીના અભિપ્રાય વિશે પૂછવામાં આવતા, બાગચીએ કહ્યું કે આ મુદ્દો માત્ર એક ચોક્કસ હોસ્પિટલનો નથી અને ભારતે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “આ મુદ્દો કોઈ એક હોસ્પિટલ અથવા ચોક્કસ સુવિધાનો નથી.” ભારતે હંમેશા નાગરિકોને નુકસાન ન પહોંચાડવા, માનવતાવાદી કાયદાનું પાલન કરવાની અને સંઘર્ષમાં ફસાયેલા લોકોને માનવતાવાદી રાહત આપવાના કોઈપણ પ્રયાસોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.