- સાઉથ આફ્રિકા સામે ભારતની 78 રને જીત
- સંજુ સેમસેને વનડેમાં પ્રથમ સદી ફટકારી
- ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને તેના ઘરઆંગણે વનડે સિરીઝમાં હરાવ્યું છે. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 78 રનથી હરાવ્યું. પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી અને સંજુ સેમસનની સદીની ઇનિંગને કારણે 296 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી.
આ મેચમાં સાઉથ આફ્રિકાના સુકાની એડમ માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી પરંતુ રજત પાટીદાર (22) અને સાંઈ સુદર્શન (10) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતીય ઓપનિંગ જોડી 49 રનના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. અહીંથી, સંજુ સેમસન અને કેપ્ટન કેએલ રાહુલ (21) વચ્ચે 50 રનની ભાગીદારી થઈ અને ત્યારબાદ સંજુ અને તિલક વર્માએ 135 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 200 રનને પાર લઈ ગયા હતા.
સંજુની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી
તિલક વર્માના આઉટ થયા બાદ સંજુ સેમસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 114 બોલમાં 108 રન બનાવીને આઉટ થયો હતો. સંજુની વિકેટ 246 રનના કુલ સ્કોર પર પડી હતી. આ પછી રિંકુ સિંહ (38) અને વોશિંગ્ટન સુંદર (14)એ ઝડપી રન બનાવીને ટીમ ઈન્ડિયાને 300ની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન વિકેટો પણ પડતી રહી. આ રીતે ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી બ્યુરેન હેન્ડ્રિક્સે ત્રણ અને નાન્દ્રે બર્જરે બે વિકેટ ઝડપી હતી. લિઝાર્ડ વિલિયમ્સ, વિયાન મુલ્ડર અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી.
સાઉથ આફ્રિકા માટે સારી શરૂઆત
બોલેન્ડ પાર્કની પિચની પ્રકૃતિને જોતા 297 રનનો ટાર્ગેટ મોટો લાગી રહ્યો હતો. જોકે સાઉથ આફ્રિકાએ અહીં મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 59 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. આ સ્કોર પર અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સ (19)ને આઉટ કર્યો હતો. રાસી વેન ડેર ડુસેન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
માર્કરામ આઉટ થયા બાદ ટીમ બેકફૂટ પર ધકેલાઈ
ટોની ડીજ્યોર્જ અને કેપ્ટન એડન માર્કરામ વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે માર્કરામ (36) વોશિંગ્ટન સુંદરના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો ત્યારે સાઉથ આફ્રિકા મજબૂત સ્થિતિમાં હતું. અહીંથી પ્રોટીઝ બેટિંગ ક્રમમાં નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી.
અર્શદીપની ચાર વિકેટ
ટોની ડી જ્યોર્જી (81), હેનરિક ક્લાસેન (21), વિયાન મુલ્ડર (1), ડેવિડ મિલર (10) બેક ટુ બેક પેવેલિયન પરત ફર્યા હતા. કેશવ મહારાજ (14), લિઝાર્ડ વિલિયમ્સ (2) અને બ્યુરાન હેન્ડ્રીક્સ (18) પણ સસ્તામાં આઉટ થઈ ગયા અને સમગ્ર પ્રોટીઝ ટીમ 45.5 ઓવરમાં 218 રનમાં સમેટાઈ ગઈ. અહીં ભારતીય ટીમ તરફથી અર્શદીપે ચાર, આવેશ અને વોશિંગ્ટનને બે-બે અને મુકેશ કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. આ મેચની સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝ પણ 2-1થી જીતી લીધી છે.


