- ડોનાલ્ડ ટ્રમ્પ-તુલસી ગબાર્ડ વચ્ચે ચર્ચા, ઉપરાષ્ટ્રપતિ સહિત મુદ્દાઓ પર મંથન
- ભારતીય મૂળના તુલસી ગબાર્ડ ચાર ટર્મ ડેમોક્રેટિક કોંગ્રેસ સભ્ય હતા
- 2022માં તેઓ ડેમોક્રેટિક પાર્ટી છોડીને રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના નેતા તુલસી ગબાર્ડ વચ્ચે ચર્ચા થઈ હતી. બંને વચ્ચે વિદેશ નીતિ અને સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તુલસી ગબાર્ડ ચાર ટર્મ ડેમોક્રેટિક કોંગ્રેસ સભ્ય છે. જોકે, 2022માં તેઓ ડેમોક્રેટિક પાર્ટી છોડીને રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા હતા.
તુલસીને મળી શકે મોટી જવાબદારી: જાણકારો
ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકારોએ તુલસી ગબાર્ડ સાથે વિદેશ નીતિ, સંરક્ષણ વિભાગ અંગે ચર્ચા કરી હતી. આ મામલે જાણકારોના મત મુજબ, ગબાર્ડ સાથેની વાતચીત વ્યાપક ચર્ચાનો એક ભાગ છે. જો ટ્રમ્પ આગામી સામાન્ય ચૂંટણી જીતે છે તો તુલસીને આગામી સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે. ચૂંટણી પહેલા જ ટ્રમ્પે તુલસી ગબાર્ડનો સંપર્ક સાધીને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો તુલસી ગબાર્ડને મોટું પદ મળી શકે છે.
અમેરિકન્સની સેવા કરવાનું મારા જીવનનું મિશન: તુલસી
કેટલાંક સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મૂળના તુલસી ગબાર્ડ સાથે 2024માં થનારી ચૂંટણી અને ત્યારબાદની સરકાર વિશે ચર્ચા કરી રહ્યા છે. ગબાર્ડે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, “મારા જીવનનું મિશન મારા દેશની સેવા કરવાનું અને અમેરિકન લોકોની સેવા કરવાનું છે અને તે કરવા માટે સક્ષમ બનવાનો શ્રેષ્ઠ માર્ગ શોધવાનો છે.” તેમણે દાવો કર્યો હતો કે હું ટ્રમ્પ સાથે ચર્ચા કરવા તૈયાર છું.


