ચીન એક તરફ ભારત સાથે વર્ષો જૂનો સીમા વિવાદ ઉકેલવા માટે મંત્રણાઓ યોજવાનું નાટક કરી રહ્યું છે.
બીજી તરફ અરુણાચલ તેમજ તિબેટ – નેપાળ સરહદ પર LAC ખાતે નવા 90 ગામડાઓ બાંધીને ભારત સામે ખતરો સર્જી રહ્યું છે. ભારતનું આર્મી તેમજ ભારતનાં સત્તાવાળાઓ અને સુરક્ષા નિષ્ણાતો હાલ ચીનની આ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તિબેટ અને નેપાળનાં મુસ્તાંગ વચ્ચે મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રકચર માળખાની તેણે રચના કરી છે. જ્યાં કેટલીક ઈમારતો અને મકાનો બનાવાયા છે. આ રૂટનો ઉપયોગ તિબેટનાં શરણાર્થીઓ દ્વારા ચીનમાંથી ભાગીને અન્ય દેશમાં રાજ્યાશ્રાય મેળવવા કરાઈ રહ્યો છે. ચીન શિઓકાંગ પ્રાંતમાં નવા 90 ગામડાઓ બાંધીને વિસ્તારવાદને આગળ ધપાવી રહ્યું છે. સમૃધ્ધ ગામડા તરીકે ઓળખાવાતો આ વિસ્તાર બરાબર અરુણાચલ બોર્ડરની સામે આવેલો છે. ચીન આ રીતે જમીન પર તેનો વિસ્તાર વધારી રહ્યો છે અને LAC પર તેની લશ્કરી સજ્જતા વધારે મજબૂત કરી રહ્યું છે. આ વિસ્તારમાં જમીન પર સીમા રેખા અંકિત કરવામાં આવી નથી તેથી ચીન ભારતની જમીન પર કબજાનો વારંવાર દાવો કરતું આવ્યું છે.
ચીને તેનાં વિસ્તારવાદ હેઠળ નવા 628 ગામડા બનાવ્યા છે. ભારત સાથે 2005માં કરેલા બોર્ડર ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટ હેઠળ તે લીગલ ડિફેન્સ વ્યવસ્થા ઊભી કરવા માગે છે. આ વ્યવસ્થા હેઠળ સરહદી વિવાદ ઉકેલવા તેમજ બોર્ડર પર સ્થાનિક વસ્તીનો વસવાટ કરવાનાં પગલાં લેવામાં આવે છે. કરાર મુજબ બંને દેશો સરહદી વિસ્તારમાં વસતી વસ્તીની સુરક્ષા માટે અને હિતો જાળવવા માટે પગલાં લે છે. LAC પર જ્યારે સીમાંકન કરવામાં આવશે ત્યારે આ ગામડાઓને ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં તેવી જોગવાઈ તેમાં કરાઈ છે.


