- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
- ઈંગ્લેન્ડ બીજો દાવમાં 145 રનમાં ઓલઆઉટ
- ટીમ ઈન્ડિયાને જીત માટે 152 રનની જરૂર
રાંચી ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 40 રન છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 24 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલ 16 રન બનાવીને રમી રહ્યો છે. હાલમાં ભારતીય ટીમને જીતવા માટે 152 રનની જરૂર છે.
જો કે ત્રીજા દિવસની રમતના અંત સુધી ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારત રાંચી ટેસ્ટ જીતીને સિરીઝ જીતવા માંગે છે. હાલમાં ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ જીતીને સિરીઝ બરોબરી કરવા ઈચ્છશે. પરંતુ ત્રીજા દિવસે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જે રીતે ઇંગ્લિશ બોલરો સામે રન બનાવ્યા તે જોતાં બેન સ્ટોક્સની ટીમ માટે ભારતીય બેટ્સમેનોને રોકવાનું આસાન નહીં હોય.
ઈંગ્લેન્ડ બીજો દાવમાં 145 રનમાં ઓલઆઉટ
આ પહેલા ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રવિ અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. રવિ અશ્વિને ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.
રાંચી ટેસ્ટમાં અત્યાર સુધી શું થયું?
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. જો રૂટે 122 રનની સદીની ઇનિંગ રમી હતી. ઓલી રોબિન્સને 58 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આકાશ દીપને 3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજે 2 ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. રવિ અશ્વિને 1 વિકેટ પોતાના નામે કરી હતી.
ઈંગ્લેન્ડના 353 રનના જવાબમાં ભારતે 307 રન બનાવ્યા હતા. ભારત તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 73 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલીને 2 સફળતા મળી. જીમી એન્ડરસને 2 વિકેટ લીધી હતી.


